ગાંધીનગરમાં સેફ્ટી સુપરવિઝનને લીધે કાલે ગુરૂવારે મેટ્રો રેલ 5 કલાક બંધ રહેશે
- કાલે સવારે 10.40 કલાકથી સાંજે 4 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન બંધ રહેશે
- મોટેરા સ્ટેડિયમથી સેકટર-1 અને ગિફ્ટસિટી સુધી મેટ્રો નહીં દોડે
- અપડાઉન કરતા કર્મચારીઓને મુશ્કેલી પડશે
ગાંધીનગરઃ અમદાવાદના મેટેરાથી ગાંધીનગર સેક્ટર-1 અને ગિફ્રટસિટી જતી મેટ્રો ટ્રેન આવતી કાલે તા. 9મી જાન્યુઆરીને ગુરૂવારે સવારે 10.40થી સાંજના 4 વાગ્યા સુધી બંધ રહેશે. અમદાવાદ- ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો રેલનો હવે મહત્તમ મુસાફરો ઉપયોગ કરી રહ્યા છે અને ડેઇલી અપડાઉન કરનારા કર્મચારીઓ માટે સૌથી અગત્યની સુવિધા બની ગઇ છે. ત્યારે સેફ્ટીને લગતા સુપરવિઝનને કારણે કાલે તા. 9મી જાન્યુઆરીના રોડ એક દિવસ માટે મેટ્રો ટ્રેનની સેવાઓ સવારે 10.40થી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. આ સમય દરમિયાન મેટ્રોની ટ્રેન સેક્ટર-1 સ્ટેશન પરથી ઉપડશે નહીં કે અમદાવાદથી ગાંધીનગર તરફ આવશે નહીં.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી દ્વારા તા. 9મી જાન્યુઆરી 2025ના રોજ, ફેઝ-2 કોરિડોરના મોટેરા સ્ટેડિયમથી સેક્ટર- 1 અને જીએનએલયુથી ગિફ્ટસિટી મેટ્રો સ્ટેશન સુધીના નિરીક્ષણને ધ્યાનમાં રાખીને, મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્શન વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 10.40 કલાકથી સાંજના 4 વાગ્યા સુધી સ્થગિત રહેશે. ગાંધીનગર સેક્ટર-1થી મોટેરા સ્ટેડિયમ માટેની છેલ્લી ટ્રેન 9મી જાન્યુઆરીએ સવારે 10 કલાકે ઉપડશે અને જીએનએલયુથી ગિફ્ટ સિટી માટે સવારે 9.45 કલાકે ઉપડશે. સાંજના 4 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 અને જીએનએલયુથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન સેવાઓ હાલના સમયપત્રક મુજબ રાબેતા મુજબ કાર્યરત થઇ જશે. જોકે કાલે 10.40થી સાંજના 4 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન બંધ રહેતા અપડાઉન કરતા લોકોને મુશ્કેલી પડશે