ભચાઉ-ગાંધીધામ હાઈવે પર ટીમ્બરમાર્ટમાં લાગી વિકરાળ આગ
- ટીમ્બર માર્ટની બાજુમાં પેટ્રોલ પંપ હોવાથી અફડા-તફડી મચી
- 5 કિલો મીટર સુધી આગના ધૂમાડા દેખાયા, ફાયરની 10 ટીમો ઘટનાસ્થળે પહોંચી
- નેશનલ હાઇવે પર ત્રણ કિં.મી. લાબો ટ્રાફિકજામ સર્જીયો
ભૂજઃ ભચાઉ-ગાંધીધામ હાઈવે પર જવાહર નગર નજીક આજે બપોરના ટાણે શંકર ટીમ્બર માર્ટ નામના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. લાકડાના ટીમ્બર માર્ટથી માત્ર 25-30 મીટરના અંતરે ગાયત્રી પેટ્રોલ પંપ આવેલો હોવાથી સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. હવાની દિશા પેટ્રોલ પંપ તરફ હોવાથી વિકરાળ આગે પેટ્રોલ પંપને ત્રણ બાજુથી ઘેરી લેતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી રહી છે.
આ નબનાવની વિગતો એવી છે કે, ગાંધીધામ-ભચાઉ હાઇવે પર મીઠી રોહર નજીક ટીમ્બરના લાકડાના જથ્થામાં આગ ફાટી નીકળતા અફરા તફડીનો માહોલ સર્જાયો છે. આ ઘટના સ્થળની બાજુમાં જ પેટ્રોલ પંપ આવેલો છે.આગની જાણ થતાં જ ભચાઉ અને ગાંધીધામ ફાયર વિભાગની ટીમો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે. ફાયર ફાઈટર્સ આગને કાબૂમાં લેવા માટે સખત મહેનત કરી રહ્યા છે. આગની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આગના ગોટેગોટા 5 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ગાંધીધામ મહાનગરપાલિકા ફાયર શાખા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, લાકડાના બેંસોની પાછળ તરફની આગ મહદ અંશે કાબુમાં અવી ગઈ છે, જ્યારે આગળ તરફના પેટ્રોલ પંપ પાસેની આગને કાબુમાં લેવા માટે ઇઆરસી, કેપિટિ, ભચાઉ અને કોર્પોરેશનના કુલ 10 ફાયર ફાયટર આગ બુઝાવવા જહેમત લઈ રહ્યા છે. ઘટનાસ્થળની બન્ને બાજુ 3 કિલોમીટર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી, હાલ એક બાદ વાહનો આગળ જવા દેવામાં આવી રહ્યા છે. આગ પર નિયંત્રણ મેળવતા હજી બેથી ત્રણ કલાકનો સમય લાગી શકે છે.