કડીમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં 7 શ્રમિકો દટાયા, એકનું મોત
- કડીના ભાવપુરા વિસ્તારમાં બની ઘટના,
- દટાયેલા તમામ મજુરોને બહાર કઢાયા,
- મકાનનું બાંધકામ ચાલતુ હતું ત્યારે બાજુના મકાનની જર્જરિત દીવાલ ધસી પડી
અમદાવાદઃ મહેસાણા જિલ્લાના કડીના ભાવપુરા વિસ્તારમાં નવિન મકાનનું કામકાજ ચાલી રહ્યું હતું. અને શ્રમિકો કામ કરી રહ્યા હતા. ત્યારે બાજુના મકાનની જર્જરિત દીવાલ ધડાકા સાથે તૂટી પડતા 7 શ્રમિકો દીવાલના કાટમાળમાં દટાયા હતા. આ બનાવની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ત્વરિત કાટમાળ હટાવીને તમામ શ્રમિકોને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક શ્રમિકનું મોત નિપજ્યુ હતું.
આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, કડીના ભવાનપુર વિસ્તારમાં એક નવીન મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું, એ દરમિયાન બાજુના એક જર્જરિત મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. આ દીવાલના કાટમાળ નીચે 7 જેટલા શ્રમજીવી મજૂરો દબાઈ ગયા હતા. દીવાલ ધરાશાયી થતાં જ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને દટાયેલા તમામ મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ 7 ઘાયલ શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શ્રમિકોને 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં ડોક્ટરોએ સારવાર શરૂ કરી હતી, પરંતુ કમનસીબે 7 પૈકીના એક મજૂર કડીના લક્ષ્મીપુરામાં રહેતા ઠાકોર જગદીશજી અભુજીને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. અન્ય ઘાયલ મજૂરોની સારવાર ચાલી રહી છે, જેમાં બે મજૂરની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બાકીના મજૂરોને પણ ઈજાઓ પહોંચી છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ કડી પોલીસ સ્ટાફ તાત્કાલિક ભાગ્યોદય હોસ્પિટલ પહોંચ્યો હતો અને સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા દીવાલ ધરાશાયી થવા પાછળનું ચોક્કસ કારણ અને બાંધકામની મંજૂરી અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે