ધનસુરાના વડાગામ નજીક ફાર્મ હાઉસમાં બુકાનીધારી ત્રાટક્યા, 3 લાખની લૂંટ
- કાળા કપડામાં 7 બુકાનીધારીઓએ ફાર્મના બે કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી,
- ત્રણ લાખની રોકડ લૂંટીને લૂટારૂ શખસો પલાયન થયા,
- ધનસુરા પોલીસ એસઓજી, એલસીબીએ તપાસ હાથ ધરી
મોડાસાઃ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામમાં આવેલા એક ફાર્મહાઉસ પર મોડીરાત્રે બુકાનીધારી લૂટારાએ હથિયારો સાથે ત્રાટકીને ફાર્મના બે લોકોને બંધક બનાવીને ત્રણ લાખ રોકડની લૂંટ કરીને પલાયન થઈ ગયા હતા. આ બનાવની જાણ ધનસુરા પોલીસને કરાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવતાં પોલીસે ફૂટેજના આધારે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ધનસુરા તાલુકાના વડાગામ નજીક અમદાવાદ રોડ પર કમલેશ પટેલ નામના ખેડૂતનું ફાર્મહાઉસ આવેલું છે. ગત મધ્યરાત્રિએ ફાર્મહાઉસના ચોકમાં બે સ્થાનિક કર્મચારી સૂતા હતા. એ સમયે છથી સાત બુકાનીધારી અને કાળાં વસ્ત્રો પહેરેલા તસ્કરો ત્રાટક્યા હતા. લૂંટારાઓએ બહાર સૂતેલા બંને કર્મચારી સાથે ઝપાઝપી કરી તેમને પકડીને ફાર્મહાઉસના મકાનની અંદર લઈ ગયા હતા. આ સાથે જ તેમણે ખાટલા પર રાખેલા મોબાઈલ ફોન પણ ઝૂંટવી લીધા હતા. ત્યાર બાદ ઘરમાં રાખેલા આશરે ₹3 લાખની રોકડની લૂંટ ચલાવી હતી. લૂંટારાઓની ટોળકીએ બંને કર્મચારીને એક રૂમમાં બંધક બનાવી દીધા હતા અને ત્યાંથી પલાયન થઈ ગઈ હતી. સવારે આસપાસના લોકોએ બંને કર્મચારીને મુક્ત કરાવ્યા હતા અને તરત ધનસુરા પોલીસને જાણ કરી હતી.
વડગામના ફાર્મ હાઉસમાં લૂંટના બનાવની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. જિલ્લા LCB અને SOGની ટીમો પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસે ફાર્મહાઉસના સીસીટીવી ફૂટેજ મેળવીને બુકાનીધારી લૂંટારાઓને ઝડપી પાડવા માટે સઘન કાર્યવાહી શરૂ કરી છે.