ભાવનગરમાં સરદારબાગની કંડમ હાલત, પાયાની સુવિધાનો અભાવ
- સરદાર બાગના નવિનીકરણ માટે 9 વર્ષ પહેલા 10 કરોડ ખર્ચાયા હતા,
- સરદાર બાગમાં તમામ રાઈડ ભંગાર હાલતમાં,
- ગાર્ડનમાં પીવાનું પાણી કે અન્ય પ્રાથમિક સવલતો ઉપલબ્ધ નથી
ભાવનગરઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન હસ્તકના પીલ ગાર્ડનના નામે ઓળખાતા સરદાર બાગની હાલત ખંડેર બની ગઈ છે. ગાર્ડનમાં રાઈડ્સ ભંગાર હાલતમાં છે, ગાર્ડનમાં પીવાનું પાણી કે અન્ય પ્રાથમિક સંવલતો પણ ઉપલબ્ધ નથી. ગાર્ડનમાં કચરાના ઢગલાં જોવા મળી રહ્યા છે. શહેરીજનો ગાર્ડનમાં બેસીને નિરાંતની પળો માણી શકે તે માટે બેસવાની પણ પુરી વ્યવસ્થા નથી. સરદાર બાગને નવ વર્ષ પૂર્વે 10 કરોડ રૂપિયાનો ખર્ચ નવિનીકરણ કરાયુ હતુ. આમ છતાં આજની તારીખે પણ બગીચામાં પાયાકીય સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.
શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલા સરદારબાગ એટલે કે પીલગાર્ડનમાં લોકો મોટી સંખ્યામાં હરવા ફરવા અને બગીચાનો આનંદ માણવા આવતા હોય છે. પરંતુ આજની તારીખે સરદાર બાગમાં લોકો મુલાકાત ન લઈ શકે એવી સ્થિતિ સર્જાય છે, આજથી નવ વર્ષ પૂર્વે એટલે કે વર્ષ 2016-17માં સરદારબાગના નવીનીકરણ પાછળ બીએમસીના ગાર્ડન વિભાગ દ્વારા રૂપિયા 9થી 10 કરોડની રકમનો માતબર ખર્ચ કરાયો હતો. ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આ બાગને નવા કલેવર ધારણ કરાવાયા હતાં. જે તે સમયે ગાર્ડનના નવીનીકરણ વખતે તંત્ર અને નેતાઓએ એવો ઢંઢેરો પીટ્યો હતો કે, નવા તૈયાર કરાનાર પીલગાર્ડનમાં આકર્ષણો સાથોસાથ લાઇટિંગ ફાઉન્ટેન જેવા અદ્યતન આકર્ષણનો સમાવેશ કરવામાં આવશે. પરંતુ આકર્ષણોની વાત તો દૂર રહી આજે આ ગાર્ડનમાં પીવાનું પાણી કે અન્ય પ્રાથમિક સંવલતો પણ ઉપલબ્ધ નથી. નવીનીકરણ સમયે બાળકો માટે અલગ અલગ પ્રકારની રાઈડ નાંખવામાં આવી હતી અનેક રાઈડો પણ ભંગાર હાલતમાં છે અને બાળકો રમવા માટે એનો ઉપયોગ કરે તો જાનહાની કે અકસ્માત સર્જવાનો ભય હંમેશા અકબંધ રહે છે. ગાર્ડનમાં સ્વચ્છતા પણ જળવાતી નથી. ત્યારે તંત્ર દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો એ આખરે ક્યાં કરવામાં આવ્યો એવા સવાલો શહેરના નાગરિકો કરી રહ્યા છે ત્યારે આવું ઐતિહાસિક ગાર્ડન ખરા અર્થમાં લોક ઉપયોગી થાય એવા પ્રયત્નો તંત્રએ કરવા જોઈએ.
આ બાબતે ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ બી.એમ અડવાણીના કહેવા મુજબ શહેરના સરદાર બાગની જાળવણી મેન્ટેનન્સ સહિતની કામગીરી ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના ગાર્ડન વિભાગના શિરે છે ગાર્ડન વિભાગ દ્વારા સરદારબાગમાં ઉદ્દભવતા પ્રશ્નો સમસ્યાઓનું સમાધાન લાવવા માટે સતત પ્રયત્નશીલ છીએ. કોઈપણ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ ટીમ દ્વારા લાવવામાં આવે છે, ટેકનિકલ ટીમ દ્વારા સતત મેન્ટેનન્સ અને બાળકો માટેની રાઈડ તથા અન્ય બાબતોની ચકાસણી કરાતી રહે છે. કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય અને અમને ફરિયાદ મળે તો તેનો ઉકેલ ચોક્કસપણે લાવવામાં આવે છે.