મુન્દ્રાના દરિયામાં મધરાતે બોટ ડૂબતા મરીન પાલીસે 5 માછીમારોને બચાવી લીધા
- સલાયાથી 5 માથીમારો બોટમાં માછીમારી માટે ગયા હતા
- બોટમાં ખામી સર્જાયા બાદ પાણી ભરાવા લાગ્યુ
- મારીન કન્ટ્રોલરૂમને ફોન કરીને મદદ માગી
મુન્દ્રાઃ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોના માછીમારો માછીમારી માટે મુન્દ્રા નજીક આવતા હોય છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના સલાયાથી પાંચ માછીમારો ‘નુરે શકુર’ નામની બોટમાં માછીમારી કરવા આવ્યા હતા. માછીમારી દરમિયાન મધરાતે અચાનક બોટમાં ખામી સર્જાઈ હતી.અને બોટમાં પાણી ભરાવવા લાગતા બોટ જળસમાધી લે તે પહોલા જ મરીન પોલીસ કન્ટ્રોલમાં જાણ કરીને ત્વરિત મદદ માટે વિનંતી કરી હતી. જેથી તાત્કાલિક મુન્દ્રા મરીન પોલીસે ઇન્ટરસેપ્ટર બોટથી તમામ લોકોને બચાવી બહાર કાઢી લીધા હતા જે બાદ માછીમારોની બોટ દરિયામાં ગરકાવ થઇ ગઈ હતી.
આ બનાવની વિગતો એવી જાણવા મળે છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં રહેતા ભાયા સીદીક મુસા, સંઘાર મહેબુબભાઈ દાઉવભાઈ, અગરીયા વાલીમામદ હુશેન, ચાબા અજીજ કાસમ અને ભોકલ અકબરભાઈ ઇલીયાસને મધરાતે મરીન પોલીસે બચાવ્યા હતા. પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાની સુચનાથી અને મુન્દ્રા મરીન પોલીસ મથકના પીઆઈ પી.કે.રાડાના માર્ગદર્શન હેઠળ ટીમ દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. એ દરમિયાન રાત્રે બાર વાગ્યાના અરસામાં જાણવા મળ્યું હતું કે, મુન્દ્રાના વેસ્ટ પોર્ટ એસપીએમ વિસ્તારમાં નુરે શકુર નામની ટ્રોલર બોટમાં કોઈ ખામી સર્જાઈ છે જેના કારણે તે ડૂબવા લાગી છે. જેથી અદાણી (મરીન કંટ્રોલ)રૂમને જાણ કરવામાં આવી હતી. અને પોલીસની ટીમ પણ ઇન્ટરસેપ્ટર બોટથી દરિયામાં દોડી ગઈ હતી. જે બાદ પોલીસે બચાવ કામગીરી હાથ ધરી સલાયાથી દરિયો ખેડવા નીકળેલા પાંચેય માછીમારોને સાડા બાર વાગ્યાના અરસામાં રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા. જે બાદ ખામી સર્જાયેલી બોટ સંપૂર્ણ રીતે દરિયાના પાણીમાં ગરકાવ થઇ ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન બાદ કિનારે પહોચેલા માછીમારોએ પોલીસનો આભાર માન્યો હતો.