પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિમાં ઘણા લોકોએ ફરવા જવા માટેના બુકિંગ કેન્સલ કરાવ્યા
- અમરનાથ યાત્રાના સૌથી વધુ બુકિંગ કેન્સલ થયા
- કૂલુ-મનાલી અને સિમલા જવાના પ્રવાસ પણ કેટલાક લોકોએ રદ કર્યા
- ટૂર ઓપરેટરો મુશ્કેલીમાં મુકાયા
અમદાવાદઃ ગુજરાતમાં શાળા-કોલેજોમાં ઉવાળું વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે. ઉનાળાના વેકેશનમાં ઘણાબધા ગુજરાતી પરિવારો હીલ સ્ટેશન ફરવા માટે જતા હોય અગાઉથી ટૂર-ટ્રાવેલ્સ માટેના બુકિંગ પણ કરાવી દીધા હતા. તેમજ અનેક ગુજરાતી પરિવારોએ અમરનાથ યાત્રાએ જવા માટે જરૂરી રજિસ્ટ્રેશન કરાવી દીધુ હતુ અને ટુર ઓપરેટરોએ અમરનાથ યાત્રાના બુકિંગ પણ લઈ લીધા હતા. ત્યારે ભારતની પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિને લીધે ગુજરાતી પરિવારો ટૂર કેન્સલ કરાવી રહ્યા છે. એટલે ટૂર ઓપરેટરોને મોટો ફટકો પડ્યો છે.
દેશમાં સૌથી વધુ હરવા-ફરવાની શોખિન ગુજરાતી ગણાય છે. દેશ-દુનિયાના કોઈપણ પ્રવાસન સ્થળે ગુજરાતીઓ તો મળશે જ, ઉનાળાના વેકેશનમાં ગુજરાતી પરિવારો હીલ સ્ટેશન ફરવા જવાનું વધુ પસંદ કરતા હોય છે. પણ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં જતા પ્રવાસીઓએ પોતાના બુકિંગ રદ કરાવી દીધા હતા. અને પ્રવાસીઓએ કૂલુ-મનાલી સહિત હીલ સ્ટેશન જવા માટે બુકિંગ કરાવ્યા હતા. હવે તે બુકિંગો પણ કેન્સલ કરાવી રહ્યા છે. ઉપરાંત આ વર્ષે અમરનાથ યાત્રા માટે દરેક શહેરોમાંથી હજારો લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પરંતુ, હવે અમરનાથ યાત્રા શરૂ થવાને એક મહિનાનો સમય બાકી છે તે પહેલા જ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ પેદા થઈ છે. એવામાં યાત્રાને લઈ શ્રદ્ધાળુઓમાં અસમંજસભરી સ્થિતિ પેદા થઈ છે. જેની સીધી અસર ટ્રાવેલ બુકિંગ પર પડી છે.
ટ્રાલેલ્સ ઓપરેટરોના કહેવા મુજબ અમરનાથ યાત્રાએ જનારા યાત્રિકો હાલ બુકિંગ કરાવવાનું ટાળી રહ્યા છે અને જે લોકો બુકિંગ કરાવી ચૂક્યા છે તેઓ રદ કરાવવા લાગ્યા છે. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ પ્રવાસીઓની સંખ્યા ઘટી હોય હાલ હોટલોના રૂમના ભાડા અડધા થઈ ગયા હોવા છતા પ્રવાસીઓ કાશ્મીરનો પ્રવાસ ટાળી રહ્યા છે.
પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિ અને ભારતની એર સ્ટ્રાઇક અને ડરના માહોલ વચ્ચે આગામી દિવસોમાં અમરનાથ યાત્રામાં વિક્ષેપ પડે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ટૂર ઓપરેટરોના કહેવા મુજબ અમરનાથ યાત્રા માટે કોઈ પણ વ્યક્તિ પૂછપરછ માટે આવતા નથી. ગત વર્ષ કરતા આ વર્ષે હજુ બુકિંગની શરૂઆત થઈ નથી. તેમજ જમ્મુ કાશ્મીરની ટુર હતી તે તમામ ટૂર હાલ પૂરતી કેન્સલ કરવામાં આવી છે. (file photo)