નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને લીધે કેરીના પાકને નુકસાન
- આંબાઓ પરથી 50 ટકાથી વધુ કેરીઓ ખરી પડી
- માવઠાએ ખેડૂતોની હાલત કફોડી કરી
- આંબાવાડીના માલિકોને લાખો રૂપિયાનું નુકસાન
નવસારીઃ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકનું સારૂએવું નુકસાન થયું છે. માવઠા સાથે તેજ ગતિથી પવન ફુંકાતા આંબાના ઝાડ પરથી 50 ટકાથી 80 ટકા કેરીઓ નીચે ખરી પડી હતી. જેના કારણે ખેડૂતો અને આંબાવાડીના માલિકોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે.
નવસારીના જલાલપોર, ગણદેવી, સહિત તાલુકાઓમાં અનેક આંબાવાડીઓ આવેલી છે. છેલ્લા બે દિવસથી વરસાદી માહોસ સર્જાતા ખેડુતો ચિંતિત બન્યા હતા. બુધવારે જલાપોર અને ગણદેવી વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા કેરીના પાકને ભારે નુકાસન થયું છે. નવસારીના મછાડ ગામના ખેડુતો ફાર્મિંગથી છેલ્લા 25 વર્ષથી આંબાવાડીઓ રાખે છે. આ વર્ષે ખેડૂતોએ 1 કરોડથી વધુનું રોકાણ કરી 20,000 મણ કેરી ઉત્પાદન કરવાનો લક્ષ્ય રાખ્યો હતો. પ્રથમ મોસમી મારને કારણે 20-25 ટકા નુકસાન થયું છતાં, તેઓ 30 લાખ રૂપિયાની દવા છાંટીને કેરી બચાવવા મથામણ કરી રહ્યા હતા. ત્યાં ફરીવાર કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. 50 ટકા કેરી પડી જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.
નવસારી પંથકના ખેડૂતોના કહેવા મુજબ 15 વર્ષ પહેલા કેરીની ખેતી માટે યોગ્ય વાતાવરણ હોવાને કારણે ખર્ચ અને તકલીફ ઓછી હતી. આજના સમયમાં વધતા દવાના ખર્ચ, રોગ, અને જીવાતના ખતરાથી કેરીનું ઉત્પાદન અઘરું બની ગયું છે. કુદરતી પરિસ્થિતિને અનુકૂળ કરવા માટે નવા સંશોધન અને ટેક્નોલોજી વિકાસની તાકીદ જરૂરી બની છે. ખેતીને વધુ ટકાઉ બનાવવાની દિશામાં આગળ વધવું ખેડૂતો માટે અત્યંત મહત્વનું છે. આવા કપરા સમયમાં ખેડૂતો માટે સરકાર અને નાગરિકોનો સહયોગ મહત્વપૂર્ણ છે. પાક વીમા યોજના, પરામર્શ સેન્ટર અને અન્ય સહાય કાર્યક્રમો ખેડૂતો માટે આશા બની શકે છે.