દિવાળીના તહેવારોને લીધે ડાકોર મંદિરમાં મંગળા આરતીના સમયમાં ફેરફાર કરાયો
- ડાકોર મંદિરમાં 16થી 23મી સુધી સવારે 30 વાગે મંગળા કરાશે,
- વાઘ બારસથી ઠાકોરજીને સોનાની આરતી ઉતારાશે,
- મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવશે
ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં દિવાળીના તહેવારને લઈ ઠાકોરજીની મંગળાની આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં 16 ઓક્ટોબર થી 23 ઓક્ટોબર સુધી સવારે 6:30 થી 6:45 વાગ્યાના અરસામાં દર્શન મંગળા આરતી કરાશે. વાઘ બારસથી સોનાની આરતી ઠાકોરજીને કરાશે. ડાકોર મંદિરમાં તા. 22 તારીખના રોજ બેસતા વર્ષની ભવ્ય ઊજવણી કરાશે. મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યુ છે.
ડાકોરમાં સુપ્રસિદ્ધ રણછોડજી મંદિર દ્વારા દિવાળીના તહેવારને લઈ સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં આસો સુદ દસમ એટલે કે 16 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી સવારે 6:30 થી 6:45 વાગ્યાના અરસામાં દર્શન મંગળા આરતી કરાશે. 9:30 સુધી દર્શન ખુલ્લા રહેશે અને ત્યારબાદ 30 મીનીટ માટે ભોગ આરોગવા માટે શ્રીજી બિરાજમાન થશે. જે બાદ રાબેતા મુજબ ભોગ આવી બપોરે 12 વાગ્યા બાદ શ્રીજી મહારાજ અનુકુળતાએ પોઢી જશે. સાંજે 4 વાગે ઉસ્થાપન થઈ નિત્ય ક્રમાંક અનુસાર સેવાપુજા થઈ અનુકુળતાએ પોઢી જશે. આ સાથે વાઘબારસથી સોનાની આરતીથી ભગવાનની આરતી ઉતારવામાં આવશે. ત્યારે ઘનતેરસના દિવસે કાળીચૌદશનો શુણગાર કરવામાં આવશે. આસો વદ ચૌદશના રોજ 8 વાગે હાટડી ભરવામાં આવશે. સાથે સાથે આ દિવસે ભગવાનને અભ્યાંગ સ્નાન કરાવવામાં આવશે.