મહામંડલેશ્વર પદ પરથી મમતા કુલકર્ણીનું રાજીનામું નામંજૂર
મહાકુંભઃ ફિલ્મી દુનિયામાંથી આધ્યાત્મિક ક્ષેત્રમાં આવેલી અને તાજેતરમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદેથી રાજીનામું આપનાર મમતા કુલકર્ણીએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી અને તે કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે ચાલુ રહેશે. કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ પુષ્ટિ આપી કે મમતા કુલકર્ણી મહામંડલેશ્વર પદ પર ચાલુ રહેશે.
મમતા કુલકર્ણીએ એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, “મહામંડલેશ્વર પદ પરથી મારું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. આચાર્ય લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ મને આ પદ પર જાળવી રાખી તે બદલ હું આભારી છું.
આ પહેલા, 10 ફેબ્રુઆરીના રોજ, મમતા કુલકર્ણીએ એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, "હું, યમાઈ મમતા નંદ ગિરી, મારા પદ પરથી રાજીનામું આપી રહી છું. મને મહામંડલેશ્વર બનાવવા અંગે કિન્નર અખાડા અને અન્ય સંતોમાં સમસ્યા છે. તેમણે કહ્યું હતું કે, "મને આ સન્માન 25 વર્ષની તપસ્યા પછી આપવામાં આવ્યું હતું." મેં જોયું કે ઘણા લોકોએ મને મહામંડલેશ્વરનું બિરુદ આપવા સામે વાંધો ઉઠાવ્યો હતો. મેં ચૈતન્ય ગગન ગિરિ મહારાજના માર્ગદર્શન હેઠળ 25 વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી.
કિન્નર કથાકાર હિમાંગી સખી અને જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે મમતા કુલકર્ણીની મહામંડલેશ્વર તરીકે નિમણૂક સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. મહામંડલેશ્વરનું પદ છોડવાની સાથે, મમતા કુલકર્ણીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ પદના બદલામાં બે લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. 24 જાન્યુઆરીના રોજ, મમતા કુલકર્ણીને કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા.