મહારાષ્ટ્ર: દાઉદના નામે PM મોદી અને CM યોગીને મારી નાખવાની ધમકી આપનારને કોર્ટે 2 વર્ષની સજા ફટકારી
મુંબઈઃ બે વર્ષ પહેલા મુંબઈ પોલીસને ફોન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીને મારી નાખવાની ધમકી આપવાના કેસમાં પોલીસે આરોપીને કસુરવાર ઠરાવીને બે વર્ષની સજા ફરમાવી હતી. તેમજ કોર્ટે આરોપીને દંડ ફટકાર્યો હતો. આરોપીએ જે તે વખતે અંડરવર્લ્ડ ડોન દાઉદના નામે ધમકી આપી હતી.
કેસની હકીકત અનુસાર મુંબઈની એક કોર્ટે પોલીસને ધમકીભર્યા ફોન કરવાના આરોપમાં કામરાન ખાન નામના વ્યક્તિને બે વર્ષની જેલ અને 10 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. નવેમ્બર 2023 માં, કામરાન ખાને મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું કે દાઉદ ઇબ્રાહિમ તેને 5 કરોડ રૂપિયા આપીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાનું કહી રહ્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે દાઉદના માણસો યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને 1 કરોડ રૂપિયા આપીને બોમ્બથી ઉડાવી દેવા માટે તૈયાર છે. એટલું જ નહીં, ખાને પોલીસને એમ પણ કહ્યું કે તે મુંબઈની જેજે હોસ્પિટલને ઉડાવી દેવાનો હતો. આ ધમકી બાદ, પોલીસ તાત્કાલિક કાર્યવાહીમાં આવી ગઈ અને તપાસ શરૂ કરી હતી. જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો, ત્યારે ખાને પોતાને માનસિક રીતે બીમાર જાહેર કર્યો હતો. પરંતુ કોર્ટે આ દાવાને ફગાવી દીધો કારણ કે તેના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. કોર્ટે કહ્યું કે આવા ખોટા કોલ્સ વહીવટીતંત્રને ગેરમાર્ગે દોરે છે અને સુરક્ષા એજન્સીઓ પર દબાણ લાવે છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું, 'આરોપી વારંવાર આવા કૃત્યો કરી રહ્યો છે.' સરકાર અને સુરક્ષા એજન્સીઓ પર તેની નકારાત્મક અસર પડે છે, તેથી તેને હળવાશથી ન લઈ શકાય.
કોર્ટે આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ બે વર્ષની કેદ અને 10000 રૂપિયાના દંડની સજા ફટકારી હતી. પોલીસે જણાવ્યું કે આ કોલ ખાનના મોબાઈલ નંબર પરથી કરવામાં આવ્યો હતો, જેના મજબૂત પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ પછી કોર્ટે તેને દોષિત ઠેરવીને સજા ફટકારી હતી.