અંકલેશ્વરમાં નેશનલ હાઈવે નજીક આવેલા સ્ક્રેપના ગોદામમાં લાગી ભીષણ આગ
- આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા,
- ગોડાઉનમાં રહેલા સ્ક્રેપના જથ્થાને કારણે આગે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું,
- સુરક્ષાના ભાગરૂપે આસપાસના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો
અંકલેશ્વરઃ શહેરમાં નેશનલ હાઇવે નંબર 48 (NH 48) ને અડીને આવેલા એક સ્ક્રેપ ગોડાઉનમાં આજે બપોરના સમયે ભીષણ આગ ફાટી નિકળતા અફડાતફડી મચી ગઈ હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા.ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના બે ફાયર ટેન્ડરો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી,
અંકલેશ્વરમાં નેશનલ હાઈવે પર આવેલા એક સ્ક્રેપના ગોડાઉનમાં આજે બપોરના ટાણે ભીષણ આગ ફાટી નિકળી હતી. આગના ધૂમાડાના ગોટેગોટા જોઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, અને આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતો. ગોડાઉનમાં રહેલા સ્ક્રેપના જથ્થાને કારણે આગે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સુરક્ષાના ભાગરૂપે આસપાસના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ પણ NH 48ને અડીને આવેલા અન્ય એક સ્ક્રેપ ગોડાઉનમાં આવી જ આગ લાગી હતી. વારંવાર બનતી આગની ઘટનાઓને પગલે વહીવટી તંત્ર દ્વારા આવા ગોડાઉનના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. બે દિવસ પહેલા અંકલેશ્વર નજીક NH 48 પર આવેલા નોબલ સ્ક્રેપ માર્કેટમાં 11 ઓક્ટોબરની મોડી રાત્રે એક વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. આ આગને કારણે ગોડાઉન નજીક આવેલી ભડકોદ્રા ગ્રામ પંચાયતની વેસ્ટ મેનેજમેન્ટ સાઇટ પર એકત્ર થયેલો કચરો પણ સળગી ઉઠ્યો હતો.