મહારાષ્ટ્રઃ એરપોર્ટ ઉપરથી 3 વિદ્યાર્થીઓ ચાર લાખ ડોલરની દાણચારી કરતા ઝડપાયાં
મુંબઈઃ મહારાષ્ટ્રના પુણે એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ત્રણ વિદ્યાર્થિનીઓ પાસેથી 400,000 ડોલર (લગભગ રૂ. 3.47 કરોડ) થી વધુની રોકડ જપ્ત કરી છે. ત્રણ વિદ્યાર્થીઓની બેગમાં અનેક નોટબુકના પાના વચ્ચે 100 ડોલર ની નોટો છુપાવવામાં આવી હતી. આ રકમ ભારતથી દુબઈ લઈ જવામાં આવી રહી હતી. પુણે સ્થિત ટ્રાવેલ એજન્ટની ધરપકડ બાદ કસ્ટમ અધિકારીઓ શંકાસ્પદ હવાલા રેકેટની તપાસ કરી રહ્યા હતા. આ એજન્ટે જ ત્રણ વિદ્યાર્થિનીઓ અને મુંબઈ સ્થિત વિદેશી હૂંડિયામણ વેપારી માટે દુબઈની ટિકિટ બુક કરાવી હતી. કસ્ટમ્સ વિભાગને જાણવા મળ્યું કે દુબઈની યાત્રા પર ગયેલી ત્રણ વિદ્યાર્થિનીઓની નોટબુકના પાના વચ્ચે છુપાવીને મોટી રકમની વિદેશી ચલણની દાણચોરી કરવામાં આવી રહી હતી.
ભારતીય અધિકારીઓની વિનંતીને પગલે, દુબઈ અધિકારીઓએ ત્રણેય વિદ્યાર્થીઓને ભારત પાછા મોકલી દીધા હતા. દુબઈથી પુણે પહોંચેલી ત્રણ વિદ્યાર્થિનીઓને અહીં એરપોર્ટ પર રોકવામાં આવી હતી. એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) ના અધિકારીઓએ ત્રણેયની તપાસ કરી અને $400,100 (લગભગ રૂ. 3.47 કરોડ) રિકવર કર્યા હતા. ત્રણેય અનુસ્નાતક વિદ્યાર્થીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેમણે પુણે સ્થિત ટ્રાવેલ એજન્ટ ખુશ્બુ અગ્રવાલ દ્વારા દુબઈની ટિકિટ બુક કરાવી હતી. વિદ્યાર્થીનીઓએ કહ્યું કે અગ્રવાલે જ તેમને રોકડ રકમ સાથે આ બેગ આપી હતી.