ભારતીય શેર માર્કેટમાં તેજીનો ચમકારો યથાવત
મજબૂત એશિયન માર્કેટના જોરે ભારતીય શેરબજારમાં આજે બીજા દિવસે પણ તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. BSEનો સેન્સેક્સ આજે 862 પોઈન્ટ વધી 83 હજાર 400 ની સપાટીએ જયારે નિફ્ટી 261 પોઈન્ટ વધી 25 હજાર 500 ને પાર બંધ રહ્યાં હતાં. તો દિવસ દરમિયાન સેંસેક્સમાં 1100 આંકનો ઉછાળો જોવા મળ્યો હતો. બેન્કિંગ શેરોમાં ખરીદી અને મજબૂત વૈશ્વિક સંકેતોએ રોકાણકારોના સેન્ટિમેન્ટને વેગ આપ્યો છે. તમામ ક્ષેત્રીય સૂચકાંકો પણ ગ્રીન ઝોનમાં ટ્રેન્ડ થઈ રહ્યા હતા. આજે રિયલ્ટી, ઓટો અને બેન્કિંગ શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી છે.
ટાઇટન, અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ, એક્સિસ બેંક અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવા શેરોમાં 3% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. તો બીજી તરફ કોમોડિટીઝ માર્કેટમાં ઝગમગાટ યથાવત રહ્યો હતો. MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ એક હજાર રુપિયા વધી 1 લાખ 28 હજારને પાર પહોંચ્યો છે. જયારે 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 1 હજાર 800 રુપિયા વધી 1 લાખ 64 હજારને પાર થયો છે. તો આજે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે ૪૦ પૈસા વધીને ૮૭.૬૮ પર પહોંચ્યો છે. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેંકના હસ્તક્ષેપ, ડોલર ઇન્ડેક્સમાં નબળાઈ, સ્થાનિક ઇક્વિટીમાં વધારો અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે રૂપિયો મજબૂત બન્યો છે.