શક્તિપીઠ અંબાજીમાં માગસર સુદ પુનમને લીધે દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યાં
- પૂનમના દિને માતાજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય,
- ભારે ઠંડીમાં પણ ભાવિકો વહેલી સવારે માનાં દર્શને પહોંચ્યા,
અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજે માગશર મહિનાની પૂનમ હોવાથી માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. મંદિરમાં વહેલી સવારે મંગળા આરતીમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારબાદ દિવસ દરમિયાન પણ દર્શન માટે ભાવિકોનો પ્રવાહ ચાલુ રહ્યો હતો.
શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું મંદિર વિશ્વવિખ્યાત છે. મા અંબાનું આ શક્તિપીઠ ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે. કરોડો લોકોનો આસ્થાનું કેન્દ્ર ગણાતું મા જગતજનની અંબાના મંદિરે દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો મા અંબાના દર્શનાર્થે આવે છે. યાત્રાધામ અંબાજી ખાતે કોઈપણ ઉત્સવ કે પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો થાય છે. આજે પૂનમને લઈ યાત્રાધામ અંબાજી મંદિર વહેલી સવારેથી માઇભક્તોથી ઉભરાયું હતું.
આજે માગશર સુદ પૂનમે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આજે વહેલી સવારથી અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તો મા જગતજનની જગદંબાના દર્શન કરવા આવી રહ્યા છે. ભારે ઠંડીમાં પણ ભક્તો દૂર દૂરથી મા અંબાના દર્શને પહોંચ્યા છે. માગશર સુદ પૂનમે આજે સવારે મંગલા આરતીમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અંબાજી મંદિરમાં સિદ્ધિ વિનાયકની આરતી બાદ માતાજીની આરતી થાય છે. ત્યાર બાદ માતાજીની આરતી પૂર્ણ થયા બાદ અંબિકેશ્વર મહાદેવની આરતી થાય છે. દર પૂનમે ભક્તો મોટી સંખ્યામાં માતાજીના મંદિરે આવતા હોય છે. ત્યારે આજે પણ માગશર સુદ પૂનમ હોવાના લીધે દૂર દૂરથી ભક્તો પૂનમ ભરવા આવ્યા હતા.