For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ખ્યાતિ હોસ્પિટલકાંડના ચારેય આરોપી સામે લૂકઆઉટની નોટિસ

05:59 PM Nov 20, 2024 IST | revoi editor
ખ્યાતિ હોસ્પિટલકાંડના ચારેય આરોપી સામે લૂકઆઉટની નોટિસ
Advertisement
  • આરોપીઓના ઘર અને ઓફિસ પરથી પેનડ્રાઈવ, ડોક્યુમેન્ટ કબજે કરાયા,
  • શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પુરાવા એકઠા કરવાના કામે લાગી,
  • દેશના તમામ એરપોર્ટને જાણ કરાઈ

અમદાવાદઃ શહેરમાં ખ્યાતિ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડધારકોને બિનજરૂરી ઓપરેશન કરવાના અને બે દર્દીઓના મોતના મામલે હોબાળો મચ્યા બાદ પોલીસે ત્રણ તબીબ સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાયાના આઠ દિવસ બાદ પણ ડો. પ્રશાંત વઝીરાણી સિવાયના અન્ય ચાર આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.  અમદાવાદ પોલીસ દ્વારા આ મામલાની તપાસ વસ્ત્રાપુર પોલીસ પાસેથી લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ હવે એકશનમાં જોવા મળી રહી છે. ખ્યાતિકાંડ બાદ જે ચાર આરોપીઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે તેમની સામે લુક આઉટ સર્કયુલર(LOC)નોટિસ ઈસ્યૂ કરવામાં આવી છે. તેની જાણ દેશના તમામ એરપોર્ટ પર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગઈકાલે આરોપીઓના ઘર અને ઓફિસ પર દરોડો પાડી જરુરી પુરાવાઓ પણ એકત્ર કરવામાં આવ્યા હતા.

Advertisement

શહેરમાં ખ્યાતિ હોસ્પિટલકાંડ પ્રકાશમાં આવ્યા બાદ રાજ્ય સરકારે રાજ્યની 7 હોસ્પિટલોને પીએમજેવાય યોજનામાંથી રદ કરીને કેટલેક તબીબોને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, રાજ્યના આરોગ્ય વિભાગની લાપરવાહી સામે પણ માછલાં ધોવાઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે પણ ખ્યાતિ હોસ્પિટલ અને તેના કસુરવાર તબીબો સામે દાખલો બેસે એવા પગલાં લેવાનું નક્કી કર્યું છે. અમદાવાદની ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 19 જેટલા લોકોને એન્જિયોગ્રાફીની અને સાત લોકોને એન્જિયોપ્લાસ્ટીની જરુર ન હોવા છતા હોસ્પિટલ દ્વારા PMJAY યોજનાનો લાભ લેવા માટે કરી નાખી હતી. ત્યારબાદ બે લોકોના મોત નિપજતા હોસ્પિટલના ડો. પ્રશાંત વઝીરાણી, ડો. કાર્તિક પટેલ,​​​​ડાયરેક્ટર,ડો. સંજય પાટોલિયા, રાજશ્રી કોઠારી અને ચિરાગ રાજપૂર, CEO સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે પૈકીના ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. જે હાલ રિમાન્ડ પર છે. જ્યારે અન્ય ચાર આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર હોય તેઓને ઝડપવા માટે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. તપાસ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચએ સંભાળી લીધી છે. ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ જગ્યાએ રેડ કરવાની શરૂઆત કરી છે. જેમાં ચાર વોન્ટેડ આરોપીઓના ઘરે પોલીસે રેડ કરી હતી જ્યારે બે ઓફિસમાં પણ રેડ કરી હોવાની વિગતો સામે આવી રહી છે. આ સમગ્ર તપાસમાં હોસ્પિટલમાંથી પણ ક્રાઈમ બ્રાન્ચે મહત્વના ઇલેક્ટ્રોનિક પુરાવા તેમજ દસ્તાવેજો કબજે લીધા છે. જ્યારે આરોપીઓના ઘરે કેટલીક મહત્વની કડી પોલીસને મળી છે જે સંદર્ભે હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે જ્યારે તમામ વોન્ટેડ આરોપીઓ વિદેશ ભાગી ગયા હોવાની માહિતીને આધારે તેઓની સામે લુક આઉટ સર્ક્યુલર નોટિસ જાહેર કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી રહી છે.

ખ્યાતિકાંડ મામલે કુલ પાંચ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં ડો. પ્રશાંત વઝીરાણી સિવાય કાર્તિક પટેલ, ડો. સંજય પટોળિયા, ચિરાગ રાજપૂત અને રાજશ્રી કોઠારી નામના ચાર આરોપીઓ ભૂગર્ભમા ચાલ્યા ગયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ તેઓના નિવાસસ્થાન અને ઓફિસ પરથી ડોક્યુમેન્ટ, ફાઈલ, ઈલેક્ટ્રિક ડીવાઈસ, રજિસ્ટર, પેનડ્રાઈવ સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓને પકડવા અને આ કેસમાં સૌથી મહત્વના પુરાવા ભેગા કરવા માટે ક્રાઈમ બ્રાન્ડની અલગ અલગ ટીમો કામ કરી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement