લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ સુત્રોચ્ચાર કરતા સભ્યોને સરકારી સંપત્તિને નુકશાન ન પહોંચાડવાની ચેતવણી આપી
નવી દિલ્હી: બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સહિત કેટલાક મુદ્દાઓ પર સોમવારે લોકસભામાં વિપક્ષી સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. હોબાળાને કારણે, કાર્યવાહી શરૂ થયાના લગભગ 15 મિનિટ પછી સ્થગિત કરવામાં આવી અને સ્પીકર ઓમ બિરલાએ સૂત્રોચ્ચાર કરતા સભ્યોને સરકારી સંપત્તિને નુકસાન ન પહોંચાડવાની ચેતવણી આપી હતી. જ્યારે ગૃહની બેઠક શરૂ થઈ, ત્યારે લોકસભા સ્પીકર બિરલાએ પ્રશ્નકાળ શરૂ કર્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પક્ષોના સભ્યોએ SIRના મુદ્દા પર સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. ઓમ બિરલાએ થોડા સમય માટે ઘોંઘાટમાં પ્રશ્નકાળ ચલાવવાનો પ્રયાસ કર્યો અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરી અને કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ કેટલાક સભ્યોના પૂરક પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
લોકસભા સ્પીકરે હોબાળો મચાવતા સભ્યોને તેમની બેઠકો પર બેસી જવા અને પ્રશ્નકાળ ચાલુ રાખવા વિનંતી કરી હતી. તેમણે વિપક્ષી સાંસદોને કહ્યું, આ પ્રશ્નકાળ છે. જો તમે જેટલા જોરથી સૂત્રોચ્ચાર કરી રહ્યા છો તેટલા જ જોરથી પ્રશ્નો પૂછો તો તે દેશના લોકો માટે ફાયદાકારક રહેશે. તમને જનતાએ સરકારી સંપત્તિનો નાશ કરવા માટે મોકલ્યા નથી. બિરલાએ વિરોધ કરી રહેલા સાંસદો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું, તમને જનતાએ સરકારી સંપત્તિનો નાશ કરવા માટે મોકલ્યા નથી. હું ચેતવણી આપી રહ્યો છું કે કોઈ પણ સભ્યને સરકારી સંપત્તિનો નાશ કરવાનો અધિકાર નથી. તેમણે વિપક્ષી સાંસદોને ચેતવણી આપી, જો તમે સરકારી સંપત્તિનો નાશ કરવાનો પ્રયાસ કરશો, તો મારે કેટલાક નિર્ણાયક પગલાં લેવા પડશે અને દેશના લોકો આ બધું જોશે.
વિપક્ષ બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલ SIR પ્રક્રિયા પર ચર્ચાની માંગ કરી રહ્યું છે. ઓપરેશન સિંદૂર પર ચર્ચા સિવાય, 21 જુલાઈથી ચોમાસુ સત્ર શરૂ થયા પછી સંસદમાં બહુ ઓછું કામ થયું છે. શરૂઆતમાં ઓપરેશન સિંદૂર અને પછી SIR પર ચર્ચા કરવાની વિપક્ષની માંગને કારણે ગૃહની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવામાં આવી હતી.