દાહોદમાં SBI બેન્કની બે શાખામાં કરોડો રૂપિયાની લોનનું કૌભાંડ, 18 આરોપીની ધરપકડ
- બેન્કના ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થતાં બ્રાન્ચ મેનેજરે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી,
- ન તો નોકરી, ન પગાર છતાં 50 કરોડની લોન આપી,
- નકલી સેલેરી સ્લિપ અને નકલી દસ્તાવેજો તૈયાર કરી કરોડોની લોન મેળવી
દાહોદઃ શહેરની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની બે શાખામાં નકલી દસ્તાવેજોને આધારે લોન આપવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. એસબીઆઈ બેન્ક દ્વારા લોન માટે લાયકાત પણ ન ધરાવતા લોકોને રૂ. 5.50 કરોડની લોન આપી હતી. બેન્કના ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થતાં બ્રાન્ચ મેનેજરે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પૂર્વ બેન્ક મેનેજર સહિત 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દાહોદ પોલીસે જણાવ્યું હતું કે, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની બે જુદી-જુદી શાખાના એજન્ટ્સે બેન્કના પૂર્વ મેનેજર સાથે મળી નકલી સેલેરી સ્લિપ અને નકલી દસ્તાવેજો તૈયાર કરી બેન્ક પાસેથી રૂ. 5.50 કરોડની લોન લીધી હતી.
દાહોદ શહેરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની બે શાખાઓમાં ખોટા દસ્તાવેજો અને બનાવટી પગાર સ્લિપ્સના આધારે લોન મેળવી બેંક સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ લોન કૌભાંડમાં કુલ 31 ઈસમો સામે દાહોદના એ અને બી ડિવિઝન પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી બંને શાખાના ત્યારના મેનેજર અને લોન એજન્ટો સહિત 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડીવાયએસપીએ જણાવ્યું કે ગઇકાલે ઝડપાયેલા પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા ચાર આરોપીઓને પાંચ દિવસના અને એક આરોપીના એક દિવસના રિમાન્ડ મળ્યા છે.
પોલીસ તપાસમાં એવી હકિકત જાણવા મળી છે કે, અમુક રેલવે કર્મચારીના પગાર ઓછા હોવા છતાં નકલી સેલેરી સ્લિપ બનાવી આંકડો વધારીને દર્શાવવામાં આવ્યો હતો. તેમજ અમુક લોકો પાસે તો નોકરી પણ ન હતી, તેમ છતાં તેમને સરકારી ડ્રાઈવર, શિક્ષકના નકલી દસ્તાવેજ તથા સેલેરી સ્લિપ બનાવી લોન અપાવી હતી. આ મામલે બેન્ક મેનેજર તરફથી ફરિયાદ નોંધાતાં પોલીસે બેન્ક મેનેજર્સ અને એજન્ટ્સ સહિત 30 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. બંને શાખાના પૂર્વ મેનેજર, બે એજન્ટ અને લોનધારકો સહિત કુલ 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ કૌભાંડ 2021-2024 દરમિયાન એસબીઆઈના ચીફ બ્રાન્ચ મેનેજર ગુરમીત સિંહ બેદીએ સંજય ડામોર અને ફઈમ શેખ સાથે મળીને આચર્યું હતું. તેમણે પોતાના પદનો દુરૂપયોગ કરી બેન્કના નિયમોનો ભંગ કર્યો હતો. રેલવેમાં ક્લાસ-4માં કાર્યરત રેલવે કર્મચારીઓનો પગાર ઓછો હોવા છતાં કમિશન પર ઊંચો પગાર દર્શાવી રૂ. 4.75 કરોડની લોન લીધી હતી. તેમજ જીએલકે ટાવરમાં સંચાલિત એસબીઆઈની બીજી શાખાના મેનેજર મનિષ ગવલેએ બે એજન્ટ સાથે મળી આશરે 10 લોકોના નકલી ડોક્યુમેન્ટ્સ, સેલેરી સ્લિપ બનાવી રૂ. 82.72 લાખની લોન મંજૂર કરી હતી. નકલી ડોક્યુમેન્ટ્સમાં લોનધારકને ગુજરાત પરિવહન નિગમના કર્મચારી અને સરકારી શિક્ષક તરીકે દર્શાવવામાં આવ્યા હતાં. આ લોન કૌભાંડમાં બેન્ક મેનેજર અને બે એજન્ટે નિયમોની અવગણના કરી લોન આપી હોવાનો ખુલાસો થયા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ લોન કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું હતું. જેમાં લોનધારકોની નકલી સેલેરી સ્લિપ બતાવી લોન લેવામાં આવતી હતી. તેઓ સમયસર લોનના હપ્તા પણ ચૂકવી રહ્યા હતાં. પરંતુ ગેરકાયદે લીધેલી લોનના ગ્રાહકો ત્રણ-ચાર હપ્તા ચૂકી જતાં ખાતા એનપીએ થયા હતાં. ત્યારબાદ જૂન, 2024માં ઓડિટ રિપોર્ટમાં આ કૌભાંડનો ખુલાસો થયો હતો.