For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

એઈડ્સગ્રસ્ત લોકોનું જીવન સુખમય બનાવવા નિરંતર પ્રયાસ કરતા રહીએ : રાજ્યપાલ

05:04 PM Dec 02, 2024 IST | revoi editor
એઈડ્સગ્રસ્ત લોકોનું જીવન સુખમય બનાવવા નિરંતર પ્રયાસ કરતા રહીએ   રાજ્યપાલ
Advertisement
  • સતર્કતા અને જાણકારી એ એઇડ્સથી બચાવનું પ્રથમ પગલું છે,
  • રાજભવન ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી,
  • એચ.આઈ.વી.ગ્રસ્ત લોકોએ ઇમ્યુનિટી વધે તેવો સુપોષિત આહાર લેવો જોઈએ

ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવ્રવ્રતજીએ જણાવ્યું હતું કે, એઇડ્સ કોઈ ચેપી બીમારી નથી. આપણે એ અંગે જાગૃતિ ફેલાવવી જરૂરી છે કે, એઇડ્સ સંપર્કમાં આવવાથી થતો નથી. આ ઉપરાંત જે વ્યક્તિ સંક્રમિત થઈ ગયા છે તેમણે પણ ગભરાવાની જરૂર નથી. સમગ્ર સમાજે તેમના પ્રત્યે આદર અને સન્માનનો ભાવ રાખવો જોઈએ અને એચ.આઈ.વી.ગ્રસ્ત લોકોએ ઇમ્યુનિટી વધે તેવો સુપોષિત આહાર લેવો જોઈએ, જેનાથી રોગ સામે લડી શકાય.

Advertisement

એઇડ્સ અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તા.1 ડિસેમ્બર, 1988 થી વિશ્વ એઈડ્સ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. જે અન્વયે દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ એઇડ્સ દિવસની વર્ષ 2024 ની થીમ "ટેક ધ રાઇટ્સ પાથ: માય હેલ્થ, માય રાઈટ" છે. આ થીમના આધારે રાજભવન ખાતે બી. જે. મેડિકલ કોલેજના સેન્ટર ઓફ એક્સેલન્સ, એ.આર.ટી. સેન્ટર ૧ અને ૨ તથા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે રાજ્યપાલએ જણાવ્યું હતું કે, એક સમય એવો પણ હતો, જ્યારે કોઈને ટી.બી. થાય ત્યારે તેનું મૃત્યુ નિશ્ચિત મનાતું હતું, પરંતુ હવે મેડિકલ સાયન્સ અને આધુનિક ઇલાજ પદ્ધતિ થકી ટી.બી. એ અસાધ્ય રોગ રહ્યો નથી. આવું એઈડ્સમાં પણ થશે. એઇડ્સમાં નિરંતર ઈલાજ આવશ્યક છે. હજુ પણ એવા ઘણા લોકો છે જેને એઈડસ કયા કારણથી ફેલાય છે તેની સ્પષ્ટ જાણકારી નથી. આથી જાણકારી એ બચાવનું સૌથી પ્રથમ પગલું છે. માતા અથવા પિતાને એઇડ્સ હોવા છતાં પણ જો સમયસર સગર્ભા માતાની સારવાર કરવામાં આવે તો નિરોગી બાળક જન્મ લઈ શકે છે. આજે મેડિકલ સાયન્સની મદદથી દરેક બાળક સ્વસ્થ પેદા થાય તે શક્ય બન્યું છે. તો હવે આપણા સૌની નૈતિક જવાબદારી બને છે કે, આપણે આ બાબતે જાગૃતિ દાખવીએ.

Advertisement

રાજ્યપાલએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે ત્યાં 'નર સેવા એ જ નારાયણ સેવા' કહેવાય છે. આ એક નૈતિક સેવા છે. જે વ્યક્તિ દરેક પ્રાણીમાં પોતાનો આત્મા જુએ છે, જે દરેક પ્રાણીઓના સુખ-દુઃખનો સાથી બને છે, દયા, કરુણા, સહિષ્ણુતાનો ભાવ રાખે છે. સાચા અર્થમાં એ જ ઈશ્વર પૂજા અને માનવતા છે. આજે આપણે સૌ વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે એઈડ્સગ્રસ્ત લોકો પ્રત્યે પ્રેમ, સ્નેહ અને સૌહાર્દ જાળવવા નિરંતર પ્રયાસ કરતા રહીએ તેવો સંકલ્પ લઈએ.

રાજ્યપાલએ તમામ ડોક્ટર્સને શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, દુઃખીયા અને અસહાય લોકોની સેવા એ સૌથી મોટો ધર્મ છે. તેમને રોગમુક્ત કરવાનું જે અભિયાન તમે ચલાવી રહ્યા છો તે હું માનું છું કે આપના થકી સાક્ષાત નારાયણની સેવા જ છે. આ સેવાથી મોટી કોઈ માનવતા કે ઈશ્વર ભક્તિ નથી.

રાજ્યપાલશ્રીના હસ્તે બાળકોને ન્યુટ્રીશન કીટ આપવામાં આવી હતી. બી.જે. મેડિકલ કોલેજના પ્રોફેસર અને વિભાગાધ્યક્ષ શ્રી ડૉ. કમલેશ ઉપાધ્યાયે સ્વાગત પ્રવચન કર્યું હતું અને શ્રીમતી દીક્ષિતા જોશીએ આભાર વિધિ કરી હતી.

આ કાર્યક્રમમાં રાજ્યપાલના અગ્ર સચિવ  ડૉ. અશોક શર્મા, આરોગ્ય વિભાગના અધિક નિયામક  ડૉ.રાધવેન્દ્ર દીક્ષિત, બી.જે. મેડિકલ કોલેજના ડીન  ડૉ.હંસા ગોસ્વામી, સહાયક નોડલ ઓફિસર  ડૉ. નીલિમા શાહ, સિવિલ હોસ્પિટલના પૂર્વ અધિક્ષક  ડૉ.એમ.એમ પ્રભાકર, સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ડોક્ટર્સ, આમંત્રિત મહેમાનો તેમજ એચ.આઇ.વી. ગ્રસ્ત દર્દીઓ અને અનાથાશ્રમના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement