અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સનાથળથી બગોદરા સુધી ઠેર ઠેર મોટા ખાડા
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદને લીધે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેની હાલત બદતર બની છે. ત્યારે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સનાથલથી બગોદરા સુધીના હાઈવે પર ઠેર ઠેર ખાડાના કારણે વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખાડાને લીધે વાહનો ધીમા ચલાવવાની ફરજ પડી રહી છે. દરમિયાન રોડ પરના ખાડાને લીધે ટ્રકે પલટી મારી હતી. તેના લીધે ટ્રફિક જામ થયો હતો,
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સનાથલથી બગોદરા સુધીના હાઈવે પર ઠેર-ઠેર મોટા ખાડા અને ગાબડાં પડ્યા છે, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે હાઈવે પર પડેલા મસમોટા ખાડાઓને કારણે અનેક વાહનચાલકોએ પોતાના વાહનો પરનો કાબૂ ગુમાવ્યો છે, ખાડાને લીધે વાહનોને મોટું નુકસાન થઈ રહ્યુ છે. હાઈવે પર પડેલા ખાડા પુરવામાં આવે તેવી માગ ઊઠી છે. હાઈવે ઉપરાંત, સર્વિસ રોડની પણ હાલત ખરાબ છે. સર્વિસ રોડ પર પણ મોટા ખાડા અને ગાબડાં પડ્યા છે, જેના કારણે સ્થાનિક વાહનચાલકોને પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ ઉપરાંત, હાઈવે પરના કેટલાક પુલો પર પણ મસમોટા ગાબડાં પડ્યા છે, જે ગંભીર અકસ્માતોનું કારણ બની શકે છે.
હાઈવે ઓથોરિટી આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં રોડ તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. સનાથલથી બગોદરા સુધીના હાઈવે પર ઠેર-ઠેર ખાડા અને ગાબડાં પડ્યા હોવા છતાં રોડ તંત્ર દ્વારા ખાડા પૂરવાની કોઈ પણ કામગીરી હાથ ધરવામાં આવી નથી. આ બેદરકારીના કારણે હજારો વાહનચાલકોનો જીવ જોખમમાં મુકાયા છે.