For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કચ્છના ઐતિહાસિક લખપતના કિલ્લાને નાઈટ ટૂરિઝમ તરીકે વિક્સાવાશે

05:51 PM Jan 01, 2025 IST | revoi editor
કચ્છના ઐતિહાસિક લખપતના કિલ્લાને નાઈટ ટૂરિઝમ તરીકે વિક્સાવાશે
Advertisement
  • લખપતના કિલ્લા પર આજીવન લાઈટ શો ચાલુ રહેશે
  • પાકિસ્તાનની સરહદ પરથી લખપતના કિલ્લાની લાઈટ દેખાશે
  • બે મહિનામાં લાઈટનું કામ પૂર્ણ કરાશે

ભૂજઃ છેલ્લા બે દાયકાથી કચ્છનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે. ધોરડોનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરાયા બાદ કાળા ડુંગર, ધોળાવીરા, માતાના મઢ સહિત અનેક સ્થળોનો વિકાસ કરવામાં આવ્યો છે. કચ્છ પ્રવાસન તરીકે વિશ્વમાં ઊભરી આવ્યુ છે. જેના લીધે પ્રવાસીઓમાં પણ રોજબરોજ વધારો થઈ રહ્યો છે. હવે પાકિસ્તાનની સરહદ નજીક આવેલા ઐતિહાસિક લખપતના ઐતિહાસિક કિલ્લાને નાઈટ ટૂરિઝમ તરીકે વિક્સાવવાનો સરકારે નિર્ણય લીધો છે.

Advertisement

પ્રવાસન માટે દેશ-વિદેશમાં કચ્છ જાણીતું છે. કચ્છમાં સફેદ રણ ધોરડો, ઐતિહાસિક વિરાસત ધોળાવીરા અને રણને ચીરીને જતો રસ્તો રોડ ટુ હેવન પ્રવાસીઓની પસંદગી બન્યા બાદ સરહદી લખપત તાલુકાના અર્થતંત્રને ધબકતું કરવા માટે અહીં પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે લખપતના ઐતિહાસિક કિલ્લા પર લાઈટ શો શરૂ કરવામાં આવશે.આ લાઇટ શો અમુક દિવસો પૂરતો સીમિત નહીં રહે પણ આજીવન રહેવાનો છે.જેના કામનો 10 દિવસમાં પ્રારંભ થશે. પાકિસ્તાનની સાવ નજીક આવેલા સરહદી વિસ્તાર લખપતમાં ગામડાઓ ખાલી થઈ રહ્યા છે જેથી અર્થતંત્રને ધબકતું કરવા માટે પ્રવાસન સુવિધા વિકસાવવા ભાર મુકાયો છે.

રાજ્યના પ્રવાસન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કચ્છના લખપતના ઐતિહાસિક કિલ્લાને આજીવન લાઈટથી ઝળાહળા રાખવામાં આવશે. આ માટે ટેન્ડર બહાર પડ્યા પછી દિલ્હીની ફર્મને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. આગામી 10 દિવસમાં કામ શરૂ થઈ જશે અને 2 મહીનામાં લાઈટ ફીટિંગનું કામ પૂર્ણ થતાં પ્રવાસીઓ અહીં નજારો માણી શકશે.પ્રથમ 5 વર્ષ માટે લાઈટ ફીટિંગ સાથે જાળવણી માટે 3 કરોડમાં કોન્ટ્રાક્ટ અપાયો છે. લાઇટ શો ઉપરાંત આસપાસના પ્રવાસન સ્થળોના વિકાસ માટે પણ ટૂંક સમયમાં પગલાં ભરવામાં આવશે. મહત્વની બાબત એ છે કે, આ કિલ્લાથી પાકિસ્તાનની બોર્ડર માત્ર 18 કિલોમીટર દૂર છે અને લાઇટ શો 15 કિલોમીટર દૂરથી પણ નિહાળી શકાશે.બોર્ડર ટુરિઝમ અને નાઈટ ટુરિઝમને વેગ આપવા સરકાર આ પ્રયાસ કરી રહી છે.

Advertisement

સૂત્રોના કહેવા મુજબ લખપત એ દેશનું સૌથી અંતિમ ગામ છે પણ કેન્દ્ર સરકારે દેશના અંતિમ ગામને પ્રથમ ગામ ગણી તેને વિકસાવવા ભાર મુક્યો છે, જેથી ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા હેરીટેજને સાચવવા સાથે બોર્ડર અને નાઈટ ટુરિઝમને પ્રોત્સાહન આપવા અહીં વિવિધ લાઈટ લગાવવામાં આવશે. કિલ્લાની 4 કિલોમીટર લાંબી દીવાલ અને અંદરના વિવિધ સ્થાપત્ય પર કાયમી ધોરણે રેડ,ગ્રીન અને બ્લ્યુ લાઇટિંગ રહેશે જેથી 200 વર્ષ પહેલાંના આ બંદરની જાહોજલાલીનો અંદાજો પ્રવાસીઓ મેળવી શકશે. લખપતમાં 1.3 કિમીના મુખ્ય પ્રવેશદ્વારની સાથે કિલ્લાની 4 કિમીની આખી દીવાલ પર લાઇટિંગ કરવામાં આવશે. એટલું જ નહીં, કિલ્લાની અંદર આવેલાં ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોને પણ સાંકળી લેવાશે, જેમાં પીર ઘોષ મહમદનો કૂબો, હાટકેશ્વર મંદિર, સૈયદ પીરનો કુબો, અકબાની મહેલ, નીલકંઠ મહાદેવ મંદિર સહિતના સ્થળો પર પણ આરજીબીડબ્લ્યુ લાઇટિંગનું કામ કરવામાં આવશે. સામાન્ય દિવસોમાં આ લાઇટીંગ પીળા રંગની રાત્રે દેખાશે પણ તહેવારો અને રાષ્ટ્રીય પર્વ પર અલગ-અલગ રંગોના પ્રકાશ વડે રોશની કરવામાં આવશે.

લખપત તાલુકામાં આવેલા પ્રસિદ્ધ તીર્થધામ માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, લખપત ગુરુદ્વારા ખાતે સરકાર દ્વારા સુવિધાઓ વિકસાવાઈ રહી છે જેથી ધાર્મિક પ્રવાસન વિકસ્યુ છે આ ઉપરાંત દેશમાં પ્રથમ બોર્ડર ટુરિઝમના ભાગરૂપે લક્કીનાળા ખાતે બોટ સેવા શરૂ કરાઇ અને હવે પડાલા ક્રિક ખાતે તંબુ બનાવી પ્રવાસીઓ ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ પરથી પસાર થઈ ચેરીયાના જંગલોમાં ફરી શકે તેવી સુવિધા ઉભી થઇ છે જેનું ટૂંક સમયમા લોકાર્પણ થશે આ ઉપરાંત નારાયણ સરોવર જંગલ સફારી આકાર લઈ રહી છે જેથી સરહદી તાલુકો પ્રવાસનમાં વૈવિધ્ય ધરાવે છે.પ્રવાસન સર્કિટના ભાગરૂપે નારાયણ સરોવરમાં પ્રથમ વખત ટેન્ટસિટી પણ બનાવવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement