કોલકાતાઃ મહિલા તબીબની હત્યા-બળાત્કાર કેસમાં આરોપી સંજ્ય રોયને કોર્ટે ગુનેગાર ઠરાવ્યો
નવી દિલ્હીઃ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ પર તૈનાત મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સિયાલદાહ કોર્ટે આરોપી સંજય રોયને ગુનેગાર ઠેરવ્યો છે. આ દરમિયાન પીડિતાના માતા-પિતા પણ કોર્ટ પરિસરમાં હાજર હતા. સંજય રોયને સોમવારે સજા સંભળાવવામાં આવશે. 9 ઓગસ્ટ 2024 ના રોજ સવારે, ઉત્તર કોલકાતાના સરકારી મેડિકલ કોલેજ આરજી કારમાં એક તાલીમાર્થી મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના પર અનેક ઈજાના નિશાન હતા.
કોર્ટે કહ્યું કે આરોપીઓ સામે BNS કલમ 64, 66, 103/1 લાગુ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ ફરિયાદ એવી છે કે તે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર રૂમમાં ગયો અને ત્યાં આરામ કરી રહેલી એક મહિલા ડોક્ટર પર બળાત્કાર ગુજાર્યો અને હુમલો કર્યો અને પછી તેની હત્યા કરી દીધી હતી. ડોક્ટરની હત્યા અને બળાત્કાર કેસમાં આરોપી સંજય રોયની ટ્રાયલ 9 જાન્યુઆરીએ પૂર્ણ થઈ હતી, જે દરમિયાન 50 સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, ગુનેગારે પહેલા પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. આરોપીએ તેણીનું મૃત્યુ પુષ્ટિ કરવા માટે બે વાર ગળું દબાવ્યું હતું. આરજી કર મેડિકલ કોલેજે શરૂઆતમાં કહ્યું હતું કે, તે આત્મહત્યા છે, પરંતુ પછી પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. જેથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. કોલકાતામાં જુનિયર ડોક્ટરોએ પીડિતાને ન્યાય અને સરકારી હોસ્પિટલોમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થાની માંગણી સાથે લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શન કર્યા હતા આ સમયગાળા દરમિયાન, રાજ્યમાં આરોગ્ય સેવાઓ પણ બે મહિનાથી વધુ સમય સુધી ઠપ રહી હતી.