કચ્છમાં 2.72 લાખ હેકટરમાં ખરીફ પાકની વાવણી, સૌથી વધુ કપાસનું વાવેતર
- બાજરીનું 16994 હેકટર અને મગનું 16980 તેમજ દિવેલા 12782 હેકટરમાં વાવેતર,
- કપાસનું 70035 હેકટર, મગફળીનું 66853 અને ઘાસચારીનું 46877 હેકટરમાં વાવેતર,
- ઉઘાડ નિકળતા હજુપણ ખરીફપાકના વાવેતરમાં વધારો થશે
ભૂજઃ કચ્છમાં આ વખતે સારો વરસાદ થવાને લીધે ખરીફ પાકનું ખેડૂતો વાવેતર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર 2 લાખ 72 હજાર 728 હેકટરમાં થયું છે, જેમાં સૌથી વધુ કપાસ 70035 હેકટરમાં અને મગફળી 66853, ઘાસચારો 46877 હેકટરમાં વાવેતર કરાયું છે. છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવણી 5.5 લાખ હેકટરે પહોંચતી હોય છે. હાલ વાવણીનું કાર્ય ચાલી રહ્યું છે, એટલે ખરીફપાકના વાવેતરમાં ગયા વર્ષ કરતા પણ વધારો થવાની શક્યતા છે.
કચ્છ જિલ્લામાં ખરીફ પાકના વાવેતર બાબતે વિસ્તૃત વિગતો આપતાં જિલ્લા પંચાયત સ્થિત જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીના મદદનીશ ખેતી નિયામકના કહેવા મુજબ કચ્છ જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર 2 લાખ 72 હજાર 728 હેકટરમાં થયું છે. જેમાં અબડાસા તાલુકામાં 45357 હેકટર,, અંજાર તાલકામાં 24385 હેકટર, ભચાઉ તાલુકામાં 30170, ભુજ તાલુકામાં 10809, ગાંધીધામ તાલુકામાં 1105, લખપત તાલુકામાં 2775, માંડવી તાલુકામાં 42016, મુન્દ્રા તાલુકામાં 8211, નખત્રાણા તાલુકામાં 18455, રાપર તાલકામાં 89445 હેકટર મળીને કુલ 2 લાખ 72 હજાર 723 હેકટરમાં વાવણી થઈ છે.
ખરીફ પાક મુજબ જોઈએ તો સૌથી વધુ ક્રમશ: કપાસ 70035, મગફળી 66853, ઘાસચારો 46877 હેકટરમાં વાવેતર થયુ છે. ત્યારબાદ બાજરી 16994, મગ 16980, દિવેલા 12782 હેકટરે વાવણી પહોંચી છે. જ્યારે બાકીના તલ 9715, શાકભાજી 5400, અડદ 1985, તુવેર 1770, મઠ 1410, મકાઈ 20 હેકટરમાં વવાઈ છે. આ વખતે કચ્છમાં ચોમાસાનો સમયસર પ્રવેશ થયો છે અને મોટા ભાગના જિલ્લામાં મેઘમહેર થતાં ખરીફનું વાવેતર કરનારા કિસાન આલમમાં ખુશીની લાગણી જોવા મળે છે. કચ્છ જિલ્લાના દસેદસ તાલુકામાંથી પૂર્વ કચ્છના રાપરમાં સૌથી વધુ 89445 હેકટરમાં વાવણી થઈ છે. જે બાદ પશ્ચિમ કચ્છના માંડવીમાં 42016 હેકટરમાં વાવણી છે.
મદદનીશ ખેતી નિયામકે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવણી 5.5 લાખ હેકટરે પહોંચતી હોય છે. પરંતુ, આ વખતે 6 લાખ હેકટરે વાવણી પહોંચી જાય એવી શક્યતા છે.