અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમ રદ કરાયો, ફ્લાવર શો હવે 3 જાન્યુઆરીએ યોજાશે
અમદાવાદઃ દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનું નિધન થતા રાજકીય જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. કેન્દ્ર સરકારે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. તેમજ તમામ સરકારી કાર્યક્રમ રદ કરવામાં આવ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં મનપા સંચાલિક કાંકરિયા કાર્નિવલ 2024ને રદ કરવામાં આવ્યો છે, એટલું જ નહીં તા. 1લી જાન્યુઆરીથી શરૂ થતા ફ્લાવર શોને હાલ પુરતો મુલત્વી રાખવામાં આવ્યો હતો. હવે તા. 3 જાન્યુઆરીથી ફ્લાવર શો યોજવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આજે રાજ્યભરમાં તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, અમદાવદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2024ને રદ કરવાની એ.એમ.સી દ્વારા ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત 1 જાન્યુઆરીથી શરૂ થનાર ફ્લાવરો શોની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાનાર ફ્લાવર શોનું આયોજન 1 જાન્યુઆરીના રોજ થવાનું હતું, પરંતુ રાષ્ટ્રીય શોકના પગલે ફ્લાવર શોના કાર્યક્રમની તારીખો ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે ફ્લાવર શો 3 જાન્યુઆરીથી શરૂ થશે.
મનપાના જણાવ્યા અનુસાર, ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના દુઃખદ અવસાન નિમિત્તે "કાંકરિયા કાર્નિવલ2024"ના આજે તારીખ 27 ડિસેમ્બર 2024 થી તારીખ 31 ડિસેમ્બર 2024 સુધીના તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા છે. કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર ખાતે વિનામૂલ્ય પ્રવેશ ચાલુ રહેશે.