ભાવનગરમાં છેલ્લા 5 મહિનાથી સિટી બસ સેવા બંધ, લોકોને પડતી મુશ્કેલી
- મ્યુનિ.સંચાલિત સિટી બસના અગાઉ 8 રૂટ શરૂ કરાયા હતા,
- કેન્દ્ર સરકાર દ્વારા 100 ઈ-બસ ફાળવાયા બાદ સિટી બસ સેવા શરૂ કરાશે એવો દાવો,
- સિટી બસ સેવા બંધ હોવાથી લોકોને ફરજિયાત શટલ રિક્ષાનો સહારો લેવો પડે છે,
ભાવનગરઃ ગુજરાતમાં અન્ય શહેરોની તુલનાએ ભાવનગર શહેર વિકાસમાં ખૂબ પાછળ છે. ત્યારે શહેરમાં છેલ્લા 5 મહિનાથી સિટીબસ સેવા બંધ હાલતમાં છે. ભાવનગર મહાપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન છે છતાં લોકોને પ્રાથમિક સુવિધા મળતી નથી. શહેરમાં લાંબા સમયથી સિટી બસ સેવા બંધ છે પરંતુ યોગ્ય પગલા લેવામાં આવતા નથી અને બીજીબાજુ ઇ-બસોની રાહ જોવામાં આવી રહી છે. સિટીબસ સેવા બંધ હોવાથી લોકોને મુસાફરી માટે શટલ રિક્ષાનો સહારો લેવો પડે છે. ત્યારે બંધ પડેલી સિટી બસ સેવા શરૂ કરવામાં આવે તેવી માગ ઊઠી છે.
ભાજપ શાસિત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં છેલ્લા પાંચ માસથી સિટી બસ સેવા બંધ કરવામાં આવી છે તેથી મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે. અગાઉ આઠ રૂટ પર સિટી બસ ચાલતી હતી અને ત્યારબાદ માત્ર બે રૂટ પર સિટી બસ શરૂ રાખવામાં આવી હતી,ત્યારબાદ આ રૂટ પર મુસાફરો ઓછા મળે છે તેવુ બહાનુ કાઢીને સિટી બસ સેવા છેલ્લા પાંચ માસથી ઠપ્પ કરી દેવામાં આવી છે. તેથી મુસાફરોને ફરજીયાત વધુ ભાવ ચુકવીને રિક્ષામાં જવુ પડે છે તેથી મુસાફરો કચવાટ કરતા નજરે પડતા હોય છે. 100 ઇ-બસ કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગર મહાપાલિકાને આપવામાં આવશે તેવી વાતો લાંબા સમયથી થઈ રહી છે પરંતુ હજુ એક પણ ઇ-બસ દેખાતી નથી ત્યારે ઇ-બસ સેવા કયારે શરૂ થશે ? તેની રાહ જોવામાં આવી રહી છે.
સૂત્રોના કહેવા મુજબ ભાવનગર મહાપાલિકા અને ખાનગી એજન્સીને કેટલીક બાબતે વાંધો પડતા સિટી બસ સેવા બંધ કરવામાં આવી હોવાની ચર્ચા છે પરંતુ અધિકારીઓ દ્વારા આવા સિટી બસને મુસાફરો મળતા નથી, શાળા-કોલેજોમાં બસ સેવા હોવાથી, ડીઝલના ભાવ વધ્યા છે વગેરે કારણ આપી સિટી બસ બંધ કરવામાં આવી હોવાનુ જણાવી રહ્યા છે. સિટી બસ સેવા બંધ હોવાથી લોકોને મૂશ્કેલી પડી રહી છે ત્યારે સિટી બસ સેવા તત્કાલ શરૂ કરવા લોકો માંગણી કરી રહ્યા છે.