જમ્મુ-કાશ્મીરઃ ઉત્તર ભારતના શ્રમજીવીની હત્યાનો પ્રયાસ કરનાર આતંકવાદી ઝડપાયો
જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓએ ગત ઓક્ટોબર મહિનામાં ઉત્તર પ્રદેશના એક મજૂરને ગોળી મારીને ઈજાગ્રસ્ત કર્યો હતો. આ સંબંધમાં કાર્યવાહી કરતા, સુરક્ષા દળોએ દાવો કર્યો હતો કે તેઓએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં એક બિન-સ્થાનિક મજૂર પર હુમલામાં સામેલ એક આતંકવાદીની ધરપકડ કરાઈ છે. તેમજ કેટલાક હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળોને એક આતંકીની હાજરીની માહિતી મળી હતી, જેના આધારે પિંગ્લિશ ગામના બગીચામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન, લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી પિસ્તોલ અને દારૂગોળો મળી આવ્યો હતો. તેની ઓળખ ત્રાલના લુરગામના ઈર્શાદ અહેમદ ચોપન તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, ચોપન ગયા મહિને ત્રાલમાં એક બિન-સ્થાનિક મજૂર પર હુમલા સહિત અનેક કેસમાં સામેલ હતો. અધિકારીએ જણાવ્યું કે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ગયા મહિને, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓએ ઓક્ટોબરમાં મજૂરોને નિશાન બનાવીને ત્રણ હુમલા કર્યા હતા, જેમાં 18 ઓક્ટોબરના રોજ ગાંદરબલ જિલ્લામાં એક બાંધકામ સ્થળ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં છ બિન-સ્થાનિક મજૂરો અને એક સ્થાનિક ડૉક્ટરનું મૃત્યુ થયું હતું. આ પહેલા 18 ઓક્ટોબરે આતંકીઓએ અશોક કુમાર ચવ્હાણ નામના મજૂરની હત્યા કરી હતી. મૃતક બિહારનો રહેવાસી હતો. પોલીસે આ મામલે માહિતી આપી હતી કે આતંકવાદીઓએ અશોકના શરીર પર કુલ 4 ગોળીઓ ચલાવી હતી.