દક્ષિણ બેરુતમાં હિઝબુલ્લાહના સેન્ટરો ઉપર ઈઝયારલનો હવાઈ હુમલો
નવી દિલ્હીઃ ઈઝરાયેલે ફરી એકવાર બેરૂત પર નિશાન સાધ્યું છે. ઈઝરાયેલી સેનાએ બેરૂત અને તેના દક્ષિણી ઉપનગરો પર અનેક હવાઈ હુમલા કર્યા છે. આ પહેલા ઈઝરાયેલે લેબનીઝ રાજધાની પર હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 29 લોકો માર્યા ગયા હતા અને 66 લોકો ઘાયલ થયા હતા.
હિઝબુલ્લાહ કમાન્ડ સેન્ટરો પર ગુપ્ત માહિતી આધારિત હુમલા કર્યા
ઇઝરાયેલી સેનાએ રવિવારે જણાવ્યું હતું કે તેના યુદ્ધ વિમાનોએ બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં હિઝબુલ્લાહ કમાન્ડ સેન્ટરો પર ગુપ્ત માહિતી આધારિત હુમલા કર્યા હતા. જેમાં હેરેટ હરેક, બુર્જ બરજાનેહ અને હદથ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. સ્થાનિક ટેલિવિઝન સ્ટેશન અલ-જાદીદે અડધા કલાકની અંદર 12 હવાઈ હુમલાની જાણ કરી હતી. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા ફૂટેજમાં રવિવારે બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં કાળા ધુમાડાના વાદળો જોવા મળ્યા હતા.
ઇઝરાયેલી હવાઈ હુમલામાં 3,754 લોકો માર્યા ગયા છે
બેરૂતના બસ્તા ફવકા વિસ્તારમાં આઠ માળની રહેણાંક ઇમારત પર થયેલા ઘાતક હુમલા બાદ આ હુમલા થયા છે. ઇઝરાયલી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે આ હુમલામાં હિઝબુલ્લાના એક અગ્રણી અધિકારી, લેબનીઝ સાંસદ અને હિઝબુલ્લાના સભ્ય અમીન શેરીને નિશાન બનાવવામાં આવ્યો હતો. ઇઝરાયેલના હવાઈ હુમલાના જવાબમાં, હિઝબોલ્લાહે જાહેરાત કરી છે કે તેણે દક્ષિણ લેબનોનમાં પાંચ ઇઝરાયેલી ટેન્કોનો નાશ કર્યો છે. લેબનોનના આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે 8 ઓક્ટોબર, 2023 થી સંઘર્ષ શરૂ થયો ત્યારથી ઇઝરાયેલી હવાઈ હુમલામાં 3,754 લોકો માર્યા ગયા છે અને 15,626 ઘાયલ થયા છે.