સાયબર ફ્રોડના મુખ્ય 3 કારણ ડર, લાલચ અને આળસથી બચવું ખુબ જરૂરીઃ અમરેલી પોલીસ અધિક્ષક સંજ્ય ખરાત
રાજકોટઃ અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી પોલીસ અધિક્ષક સંજય ખરાતની આગેવાની હેઠળ એક સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાની 800થી વધુ વિદ્યાર્થીનીઓ, તમામ શૈક્ષણિક અને મેનેજમેન્ટ સ્ટાફ, તેમજ અગ્રણીઓ મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખૂંટ અને રામાણી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતએ મુખ્ય અતિથિ તરીકે વિદ્યાર્થીનીઓને સાયબર ક્રાઇમથી બચવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ન્યુડ વીડિયો કૉલ, .apk ફાઇલ ફ્રોડ, અને ઊંચા વળતરના નામે થતા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેવા તાજેતરમાં બની રહેલા ગુનાઓ વિશે ચેતવણી આપી હતી. એસ.પી. ખરાતે ભારપૂર્વક જણાવ્યું કે સાયબર ફ્રોડના મુખ્ય ત્રણ કારણો ડર, લાલચ અને આળસ છે, જેનાથી બચવું ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત, અમરેલી જિલ્લાના તમામ નાગરિકોને સાયબર ક્રાઈમથી સુરક્ષિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
સાયબર ક્રાઇમથી બચવા માટેની અગત્યની ટિપ્સ
-કોઈપણ બેંક મેનેજર ક્યારેય એટીએમ કાર્ડ બંધ થવા અંગે ફોન કરતા નથી. અજાણ્યા ફોન પર બેંકની કે એટીએમ કાર્ડની વિગતો અથવા ઓટીપી નંબર ક્યારેય ન આપો.
-એટીએમનો ઉપયોગ કરતી વખતે, કાર્ડ દાખલ કરવાના સ્લોટને ધ્યાનપૂર્વક તપાસો અને પાસવર્ડ દાખલ કરતી વખતે કોઈ અન્ય વ્યક્તિને રૂમમાં પ્રવેશવા દેશો નહીં.
-મોબાઈલ પર પૈસા જમા કે કપાત થયાના શંકાસ્પદ મેસેજ આવે તો તેની ખરાઈ બેંકમાંથી જ કરો.
-કૌન બનેગા કરોડપતિ, કોઈ લોટરી, કે અન્ય કોઈ યોજનાના નામે પૈસા ક્યારેય ભરશો નહીં.
-આધારકાર્ડ અપડેટ કે સિમ કાર્ડ વેરિફિકેશનના બહાને અજાણ્યા ફોન પર કોઈ માહિતી શેર કરશો નહીં.
-ઓછા વ્યાજની લોન કે નોકરીની લાલચ આપતી જાહેરાતોમાં વ્યક્તિગત માહિતી સબમિટ કરશો નહીં.
-OLX જેવી વેબસાઈટ પર વાહન ખરીદીના કિસ્સામાં કોઈ આર્મી અધિકારી તરીકે ઓળખ આપી ફ્રોડ કરતા હોય છે, તેથી ઓનલાઇન પેમેન્ટ કરવાનું ટાળો.
-Google પર ક્યારેય Google Pay, PhonePe, Paytm કે અન્ય કોઈ એપ્લિકેશનના કસ્ટમર કેર નંબર સર્ચ કરશો નહીં. સાચા નંબર એપ્લિકેશનમાં જ આપેલા હોય છે.
-ફેસબુક, જી-મેઇલ જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં સેટિંગ્સ અને પાસવર્ડની સુરક્ષા મજબૂત રાખો.