સરળતા અને તરલતાનું સ્થાન ઝનુન લઈ લે એવા સંબંધમાં લૂણો લાગતા વાર ન લાગે
(પુલક ત્રિવેદી)
પ્રેમમાં આદર, સત્કાર અને સ્વીકાર હોય : ગોઠવણમાં સ્વાર્થ, અનાદર અને તિરસ્કાર દેખાય
કોઈએ સરસ વાત કરી છે કે, 'જ્યારે કોઈના સાંભળે ત્યારે એ દોસ્ત તું મને સાંભરે...' જીવન એટલે સંબંધોનું મજાનું ઉપવન. પરંતુ એવા સંબંધો પણ ન હોવા જોઈએ કે જેનો ભાર લાગે. જીવનમાં ભારરૂપ સંબંધોનું જંગલ પણ ન હોવું જોઈએ. સંબંધો બાંધવા, ઉછેરવા અને એને સાચવવાની આવડત ખૂબ મહત્વની છે. જોકે અને આવડત કરતા કળા કહેવું વધારે યોગ્ય રહે. આવી કલા વિકસાવવામાં આનંદ કરાય પરંતુ એમાં ગુચવાઈ ન જવાય. ગમે તેવી મુશ્કેલી કે આપત્તિઓમાં પણ વ્યક્તિ બે પાંચ સાચા અને સારા સંબંધોના સથવારે જ ટકી જતો હોય છે. પ્રત્યેક સંબંધોનુ સ્વરૂપ અલગ હોય છે. કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે. દરેક સંબંધોની જુદી જુદી સીમા હોય છે.
સંબંધની પરિભાષાને અંકિત કરતી બે મઝાની પંક્તિ યાદ આવી ગઇ, 'છે બધા સંબંધો ભરતીને લીધે, ઓટ આવી કે તરત આઘા કિનારા થઈ ગયા.' આજકાલ તો સંબંધોમાં સરળતા અને તરલતાનું સ્થાન ઝનુને લઈ લીધું હોય એમ લાગે છે. તારા ઝનુન કરતાં મારું ઝનુન વધુ તાકાતવાળુ અને અર્થસભર છે એમ સૌ કોઈ માને છે. આવા વિચારોના પરિણામે જ સંબંધો સાચવવા કરતા છૂટતા વધુ હોય છે. જેટલી ઝડપથી સંબંધ બંધાતા હોય છે એના કરતા વધુ તીવ્રતાથી એ તુટતા પણ હોય છે. સંબંધમાં પડતી તિરાડ પાછળ ત્રણ દુર્ભાગ્યપૂર્ણ હકીકતો જોવા મળતી હોય છે. પહેલું તો 'મને શું?’ અને 'મારું શું?'ની સ્વાર્થીપણાની ભાવના સંબંધોમાં બહુ મોટી ખટાશ ઊભી કરે છે. બીજું 'મને જ મહત્વ મળે. બીજા કોઈની હું શા માટે દરકાર કરું?'ની સ્વકેન્દ્રિત ભાવના સંબંધોમાં ખારાશ લાવે છે. અને છેલ્લું સ્વતંત્રતાના ઓઠા હેઠળ પાંગરથી સ્વચ્છંદતા નાના-મોટાના આદરને સમાપ્ત કરવાની ભાવના સારા સંબંધોનો સૌથી મોટો શત્રુ બની જતો હોય છે. ચિંતક અને કવિ સુરેશ દલાલે સંબંધોના સંદર્ભમાં લખ્યું છે કે, સંબંધો તો સાચના હોવા જોઈએ કાચના નહીં. દુર્ભાગ્યપૂર્ણ હકીકત તો એ છે કે આજે સંબંધો કાચના બની ગયા છે, એ તૂટતા વાર નથી લાગતી.
કોઈપણ સંબંધ આત્મસન્માનથી મોટો ક્યારેય ન હોઈ શકે. જે સંબંધ વ્યક્તિનું આત્મસન્માન ન જાળવી શકે એવો સંબંધ જ શા કામનો? આખરે તમામ વ્યક્તિના જીવનનું બળ અને અર્થ એનું આત્મસન્માન હોય છે. રાજનીતિથી માંડીને સામાજિક કે વ્યક્તિગત પ્રત્યેક સંબંધોમાં આત્મસન્માન હંમેશા કેન્દ્ર સ્થાને જ હોય છે. જ્યારે કોઈ સંબંધમાં મિત્ર કે સાથી એમ કહે કે, 'તું નિર્માલ્ય છે, શક્તિહિન છે. અરે, તું તો કાયર છે...' ત્યારે એ આત્મસન્માન પર મારેલો મરણતોલ ફટકો છે. આ પ્રકારની વાતથી નિ:સંદેહપણે સંબંધનો મૃત્યુઘંટ વાગી જતો હોય છે. સંબંધમાં પ્રેમ અને આદર બંને હોવા જોઈએ. પરંતુ એ વાત એટલી જ સાચી છે કે, જ્યાં પ્રેમ હોય ત્યાં મોટાભાગે આદર, માન, સત્કાર અને સ્વીકારના ચાર તત્વો અવશ્ય હોય જ.
કોઈપણ સંબંધમાં નાની મોટી તકરાર અને સંઘર્ષ હોય એ અત્યંત સામાન્ય અને સમજી શકાય એવી વાત છે. પરંતુ આ કોનફ્લિક્ટ અને જીભાજોડીનું પ્રમાણ સતત અને અવિરત ચાલતું જ રહે તો એવા સંબંધ માટે વ્યક્તિએ એક ઠોસ અને દમદાર નિર્ણય લેવો જરૂરી છે. જે સંબંધમાં સંતોલપણું ન હોય અને માત્ર એક જ પક્ષનું હિત જાળવવાનો જ પ્રયાસ થતો હોય ત્યારે આ પ્રકારના સંબંધ સમાપ્ત કરવામાં જ શાણપણ છે. સંબંધ તો હલકો ફૂલ હોવો જોઈએ. સંબંધથી શક્તિ અને ઉર્જા પેદા થવી જોઈએ. સંબંધનો ભાર લાગે અને જે સંબંધમાં ભડકા થતા હોય એને શાંત કરી દેવામાં જ વ્યક્તિની સાચી સમજ છે.
એ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે, એક સાચો દોસ્ત કે સાચો સાથી તમારી ખુશીમાં ખુશ થાય છે. એ તમારી પ્રત્યેક વાતને સાચા હૃદયથી આવકારીને તમારી દરકાર કરે છે. એટલે જ સંબંધો સુવાસિત બનતા હોય છે. એક સારો અને સાચો સંબંધ વ્યક્તિને અને એની આસપાસના લોકોના હૃદય, મન અને આત્માને ખુશીઓથી ભરી દે છે. જ્યારે એક ખોટો અને નિરર્થક સંબંધ વ્યક્તિ અને એની આસપાસના લોકો અને પરિવારને તહસ નહસ કરતા વાર નથી લગાડતો. આવા સંબંધો બને એટલા વહેલા ત્યજી દેવા જોઈએ. શક્ય છે કે, આ પ્રકારનો નિર્ણય સૌથી કપરો હોઈ શકે પરંતુ એ નિર્ણય ભવિષ્યમાં સાચો અને સુખદાયી નિવડતો હોય છે. કયો સંબંધ સાચવવો અને કયો સંબંધ સમાપ્ત કરવો એની સમજદારી જીવનને નવી દિશા આપી શકે છે. જીવનમાં નવા દ્વાર ખોલી શકે છે.
જૂઠાણા અને ઠાલા શબ્દોથી બંધાયેલા સંબંધોની પવિત્રતા સચવાતી નથી. ખોટા વચનોની પુષ્ઠભૂમિ ઉપર બંધાયેલા સંબંધો આગળ જતા ધરાશાયી થઇ જતાં હોય છે. પરિણામ સ્વરૂપે દુઃખદાયી સ્થિતિનું નિર્માણ થાય છે. જેને ખરેખર તમને અને તમારા વિચારોને સમજવાની કોઈ પડી જ નથી, પોતાનો જ કક્કો હંમેશા ખરો કરવો છે એવા લોકો માટે જેટલા ઝડપથી તમારા હૃદયના દરવાજા બંધ થઈ જાય એમાં તમારું હિત સમાયેલું છે. એક અસ્વસ્થ સંબંધ તમારા ચહેરા ઉપર ક્યારેય વાસ્તવિક આનંદ નથી લાવી શકતો. એટલા માટે જ ચાણક્ય નીતિ આવા સંબંધો શક્ય એટલા વહેલા સમાપ્ત કરવાનો સૌથી કઠોર નિર્ણય લેવાની સલાહ આપે છે.
જે સંબંધથી વ્યક્તિની પ્રગતિ અને ખુશીમાં અવરોધ સર્જાતો હોય એવા સંબંધ ન કહેવાય, એ તો માત્ર સંબંધ વેંઢારવા જેવી વાત છે. આ પ્રકારના સંબંધો સાચવતા જવામાં કોઈ સાર નથી. જે વ્યક્તિને તમારું સન્માન ન હોય અને તમારી દરકાર ન હોય એ વ્યક્તિનું તમારા જીવનમાં સ્થાન ક્યાંથી હોય ? જ્યાં મૈત્રીનો આનંદ ન હોય, સંબંધમાં અસહજતા અનુભવાતી હોય અને માનસિક દબાવ રહેતો હોય એવા સંબંધો બેમતલબના છે. સંબંધોમાં તો એકબીજાની સફળતાનો આનંદ હોય સમજણ અને સહિષ્ણુતા સર આંખો ઉપર હોય. વિવાદો અને મતભેદોનું સમજદારીપૂર્વક સમાધાન શોધવામાં આવતું હોય એ સાચો સંબંધ કહેવાય. નહીં કે વિવાદ થાય ત્યારે અહમના હથોડાના ઘા ઝીંકવામાં આવે.
સમય અને પ્રેમ જેમ જેમ વધતા જાય એમ સંબંધ વધુ મજબૂત બનતો જાય અને પરિપક્વતા હાંસલ કરતો જાય. એમાં વિશ્વાસનો શ્વાસ વહેતો હોય છે. સંબંધો સાચવવા હૃદયની વાત જરૂર સાંભળવી જોઈએ પણ સાથે સાથે બુદ્ધિપૂર્વક વિચારવું પણ જોઈએ. સાચો સંબંધ વ્યક્તિને સાચી તાકાત બનતી હોય છે. સંબંધો વ્યક્તિને કમજોર ક્યારેય ન બનાવે. જે તમને નબળા બનાવે એવા સંબંધ ટકાવી રાખવાનો કોઈ અર્થ નથી. સંબંધો તો સમર્પણ ભાવનાવાળા હોવા જોઈએ. જે સંબંધમાં સચ્ચાઈ અને સન્માનનો અભાવ હોય એનો સત્વરે અંત આણી દેવામાં સમજદારી છે. તમારી ઉર્જા અને તમારો સમય સૌથી વધુ મૂલ્યવાન છે. નવી શરૂઆત માટેનું સાહસ ક્યારેય ન છોડવું જોઈએ. બંધાયેલા પ્રત્યેક સંબંધો કદાચ તમારા માટે ન પણ હોય. જ્યારે પણ એવો અહેસાસ થાય કે, ફલાણો સંબંધ તમને માનસિક રીતે નબળા પાડી રહ્યો છે કે તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરી રહ્યો છે ત્યારે ચેતી જવું જોઈએ.
સંબંધોની મઝા એ છે કે, જેનાથી એકબીજામાં નવી ઊર્જાનો સંચાર થાય. જો આમ ન થતું હોય અને નિરંતર એકબીજા વચ્ચે તિરસ્કાર અને અવહેલના થતી હોય ત્યારે એવા સંબંધો ઉપર ગંભીરપણે વિચારવાની અવશ્યકતા છે એમ સમજી લેવું પડે. જે સંબંધમાંથી ખુશી અને આનંદ ક્રમશઃ સમાપ્ત થવા લાગે ત્યારે એની માટે પુન:વિચાર જરૂરી બની જતો હોય છે. ક્યારેક અલવિદા કહેવામાં સફળતા અને શાંતિ બંને મળતા હોય છે. જ્યાં બીજાના નિર્ણયો અને પ્રાથમિકતાની કિંમત હોય એવા સંબંધો ચટ્ટાન જેવા મજબૂત હોય છે. જગતમાં તમને સમજે અને તમારું આત્મસન્માન જાળવીને સદાય તમારી પડખે ઊભા રહે એવા મિત્રો કે સંબંધો આંગળીના વેઢે ગણાય એટલા જ હોય છે. આવા સંબંધો જ સાચા અને આનંદદાયી હોય છે.
સાચા સંબંધો સાચવવા પરિશ્રમ કરવો ન પડે. સાચો સંબંધ તો ધસમસતી નદી જેવો છે. એવા સંબંધ તો વહેતા જાય અને ઠંડક આપતા રહે. વ્યક્તિ આખી દુનિયાને સારું લગાડવા ફાંફાં મારતો રહે છે પણ પોતાના લોકોને જ પ્રેમ કરી શકતો નથી એની પ્રત્યેક વાતનો સાચા હદયથી સ્વીકાર કરી શકતો નથી. આખા જગતની ભુલો ભુલી જવી આસાન છે પણ પોતાની સમજેલી વ્યકિતની વાતનુ લાગેલું ખોટુ માફ કરવા માટે જિગર જોઈએ. સંબંધોને કયારેય આપણે નજીકથી જોવાની કોશીષ કરી છે ? પોતાના માનેલાની કદર કરી છે ખરી? સંબંધોને સજીવન રાખવા માટે આ બે સવાલો પોતાની જાતને પુછવાનુ રાખવુ જોઇએ. કોઈ સંબંધ સુષ્ક થઇ જતો લાગે તો એના ઉપર પ્રેમ પાથરીને તાજા કરી લેવાય અને જો એમ લાગે કે એ સંબંધ માત્ર સ્વાર્થ અને અહમના ટેકે જ ઉભો રહ્યો છે તો પછી એવા સંબંધ શૉ બિઝનેસથી વધુ નથી. જેને સાચવવા પડે એવા સંબંધોનો કોઈ અર્થ નથી લોકલાજ કરતાં પોતાના આત્માની લાજનું મહત્વ વધારે છે.
ધબકાર :
જેને સંબંધ નિભાવવો જ હોય એ હજાર ભુલો ભુલી જઇને સંબંધની સુવાસ જાળવી રાખશે અને જેને સંબંધ નિભાવવો જ નથી એ એક નાનકડી વાતનું પણ વતેસર બનાવી સંબંધ નેવે મુકતા વાર નહીં લગાડે.
ગમે ત્યાંથી સ્પર્શો,
ના હોય ક્યાંય અહમના ખાંચા
બસ એ જ સંબંધો સાચા.
મુકેશ જોષી