અમેરિકાના વિદેશ મંત્રીની મુલાકાત પહેલા ઈઝરાયલનો ગાઝા પર તાબડતોડ હુમલો, 32નાં મોત
ગાઝા : અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોની મુલાકાતના થોડા કલાકો પહેલા જ ઈઝરાયલે ગાઝા શહેર પર તાબડતોડ વાયુહુમલા કર્યા હતા. ઈઝરાયલી સેનાએ ગાઝા શહેરની 30થી વધુ ઊંચી ઈમારતોને નિશાન બનાવી બોમ્બમારો કર્યો હતો, જેમાં 32 લોકોનાં મોત નિપજ્યાં છે. મૃતકોમાં 12 બાળકોનો પણ સમાવેશ થાય છે.
શિફા હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે, સતત થતા હુમલાઓને કારણે હજારો પેલેસ્ટિનિયન પોતાનાં ઘરો છોડી પલાયન કરવા મજબૂર બન્યા છે. ઈઝરાયલે હુમલાઓ બાદ ગાઝા શહેરની અનેક ટાવર ઈમારતો ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. આ પગલાં એવા સમયે લેવાયા છે જ્યારે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ગાઝા શહેર પર ફરી કબજો મેળવવા માટેની જમીન કાર્યવાહી અંગે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવાની તૈયારી કરી રહ્યા છે.
ઈઝરાયલ હમાસને ગાઝા શહેરનો “છેલ્લો ગઢ” ગણાવે છે. તાજેતરના દિવસોમાં ઈઝરાયલે ગાઝા શહેરની અનેક ઊંચી ઈમારતોને ધ્વસ્ત કરી દીધી છે અને હમાસ પર તેમાં દેખરેખ માટેનાં સાધનો લગાવવાનો આરોપ મૂક્યો છે. સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે, શેખ રદવાન વિસ્તારમાં એક ઘરને નિશાન બનાવતાં એક જ પરિવારનાં 10 લોકોનાં મોત થયા હતા, જેમાં એક મહિલા અને તેના ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.
ઈઝરાયલી સેનાએ આ હુમલાઓ અંગે તાત્કાલિક પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે. જો કે, સેનાના પ્રવક્તા અવિચાઈ અદ્રાઈએ જણાવ્યું કે, અત્યાર સુધી અઢી લાખથી વધુ લોકો ગાઝા શહેર છોડી ચૂક્યા છે. સહાય કાર્યકરો મુજબ, યુએનની આગેવાની હેઠળ ગાઝામાં 86,000થી વધુ ટેન્ટ અને અન્ય જરૂરી સામગ્રીની આપૂર્તિ માટે મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
ગાઝાના આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી કે, છેલ્લા 24 કલાકમાં કુપોષણને કારણે સાત લોકોનાં મોત થયા છે. જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ સાથે જ યુદ્ધ શરૂ થયા પછી ગાઝામાં કુલ મૃત્યુઆંક 420 પર પહોંચી ગયો છે, જેમાંથી 145 બાળકો છે.