ઈન્ટરનેશનલ ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ ભારત લાવવામાં આવ્યો, પ્રથમ તસવીર આવી સામે
નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ગેંગસ્ટર અને લોરેન્સ બિશ્નોઈના સૌથી મોટા રાજદાર અનમોલ બિશ્નોઈને ભારત લાવવામાં આવ્યો છે. તેને ભારત પહોંચતાં જ લાંબી કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. સૌથી પહેલા એનઆઈએ (NIA) તેની કસ્ટડી લેશે, કારણ કે એજન્સીએ તેના પર 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરેલું અને તે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટ કેસમાં વોન્ટેડ છે. NIAની કસ્ટડી પૂર્ણ થયા પછી કેસ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાશે.
સુત્રોના જણાવ્યા અનુસાર 2023માં દિલ્હીની સનલાઇટ કોલોનીમાં એક બિઝનેસમેન પાસેથી કરોડોની વસૂલી માટે અનમોલે ખુદ ધમકીભર્યો ફોન કર્યો હતો અને તેના ઘરની બહાર ફાયરિંગ પણ કરાવ્યું હતું. આ કેસ RK પુરમ યુનિટે નોંધ્યો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ પણ અનમોલને પોતાની કસ્ટડીમાં લેશે. મુંબઈ પોલીસ તેને બાબા સિદ્દીકી હત્યાકાંડમાં કસ્ટડીમાં લેશે. ચાર્જશીટ અનુસાર પ્લાનિંગ, શૂટર્સ, હથિયારોની વ્યવસ્થા બધું અનમોલે કર્યું હતું. પંજાબ પોલીસે પણ સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં અનમોલને કસ્ટડીમાં લેવાની તૈયારી કરી છે. ઉપરાંત, રાજસ્થાનમાં પણ તેના પર FIR છે અને ત્યાં તેના માથા પર 1 લાખનું ઇનામ હતું. આમ કુલ મળીને 20થી વધુ કેસોમાં અનમોલ બિશ્નોઈ વોન્ટેડ છે.
અનમોલ માત્ર ગેંગસ્ટર નથી, પરંતુ પોતાના મોટા ભાઈ લોરેન્સ બિશ્નોઈનો સૌથી મોટો વિશ્વાસુ સાથી અને ક્રાઈમ સિન્ડિકેટનો સ્વભાવી વારસદાર માનવામાં આવે છે. હવે એજન્સીઓ નક્કી કરશે કે તેને કઈ જેલમાં રાખવો, દિલ્હીની તિહાર જેલ કે ગુજરાતની સાબરમતી જેલ, જ્યાં લોરેન્સ બંધ છે. સુરક્ષાના પ્રશ્નોને લઈને આ નિર્ણય મહત્વનો બન્યો છે, કારણ કે વિરોધી ગેંગના સભ્યો અનેક જેલોમાં હાજર છે. લોરેન્સ-અનમોલ ગેંગનું નેટવર્ક દેશમાં આ 13 રાજ્યોમાં ફેલાયેલ છે એટલું જ નહીં કનેડા, અમેરિકા, પોર્ટુગલ, દુબઈ, અજરબૈજાન, ફિલિપાઈન્સ અને લંડન સુધી આ ગેંગનુ નેટવર્ક સક્રિય છે.