For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ડાંગના કિલાદ ઇકો ટુરિઝમ કેમ્પ ખાતે કાલે આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિનની ઉજવણી કરાશે

04:29 PM May 21, 2025 IST | revoi editor
ડાંગના કિલાદ ઇકો ટુરિઝમ કેમ્પ ખાતે કાલે આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિનની ઉજવણી કરાશે
Advertisement
  • કચ્છના ગુનેરીમાં ઇનલેન્ડ મેન્ગૃવ વિસ્તારને ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ’ જાહેર
  • ડાંગના ચિંચલી પાસે આવેલા ‘નેચરલ મેંગો ફોરેસ્ટ’ પણ જૈવવિવિધતા વારસાના સ્થળો તરીકે પ્રસ્તાવિત છે
  • પ્રકૃતિ અને ટકાઉ વિકાસ સાથે સુમેળ’ની થીમ સાથે વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-2025’ ઊજવાશે

ગાંધીનગરઃ ગુજરાત સહિત વિશ્વભરમાં જૈવવિવિધતાના સંરક્ષણ અને સંવર્ધન માટે દર વર્ષે તા. 22 મેના રોજ ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ’ વિવિધ સ્વરૂપે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વન-પર્યાવરણ મંત્રી  મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી  મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા તા. 22 મે-2025ના રોજ ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-2025’ની ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકામાં આવેલ ‘કિલાદ ઇકો ટુરિઝમ કેમ્પ સાઈટ’ ખાતે ઉજવણી કરવામાં આવશે.

Advertisement

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જૈવવિવિધતા સંરક્ષણ તેમજ પ્રકૃતિ અને ટકાઉ વિકાસ સાથે સુમેળ સ્થાપિત કરવાનો છે. આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા જૈવવિવિધતા સંરક્ષણ અંગે વિશિષ્ટ વ્યાખ્યાન તેમજ વૃક્ષારોપણ તથા પ્રદર્શન યોજાશે. જેમાં ડાંગ જિલ્લા સ્તરની જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિ, વઘઇ તાલુકા સ્તરની જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિ અને ગ્રામ્ય સ્તરની  22 જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, તેમજ મહિલાઓ, બાળકો, ગ્રામજનો અને ડાંગમાં પરંપરાગત વૈદિક જ્ઞાન ધરાવતા તજજ્ઞો  પણ સહભાગી થશે.

આ વર્ષ 2025ની થીમ ‘પ્રકૃતિ અને ટકાઉ વિકાસ સાથે સુમેળ’ આપણને શીખવે છે કે વિકસતી દુનિયામાં માનવજાત અને પ્રકૃતિ વચ્ચે સુમેળ જાળવવો સૌથી મોટી જરૂરિયાત અને પડકાર છે. વૃક્ષોનો નાશ, શહેરીકરણ, પ્રદૂષણ, વન્યજીવોના નિવાસસ્થાનોમાં ખલેલ, કુદરતી સ્રોતોનો દુરુપયોગ અને આબોહવા પરિવર્તન જેવી પરિસ્થિતિઓના કારણે અનેક જીવજાતિઓ લુપ્ત થવાના આરે છે. દરેક જાતિનું પર્યાવરણમાં વિશિષ્ટ મહત્વ હોય છે અને કોઈ પણ જાતિ લુપ્ત થવાથી સંપૂર્ણ નિવસનતંત્ર અસંતુલિત બની શકે છે. આથી, ભવિષ્યની પેઢીઓ માટે જૈવવિવિધતાનું સંરક્ષણ અનિવાર્ય બની ગયું છે.

Advertisement

ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડના મુખ્ય કાર્યોમાં જૈવવિવિધતા અધિનિયમ, 2002ની જોગવાઈઓ મુજબ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા કક્ષાએ જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિ-BMCની રચના કરવામાં આવે છે. જેના દ્વારા ટી.એસ.જી.ની મદદથી નાગરીકોનું જૈવવિવિધતા રજિસ્ટર-PBR બનાવી, વિવિધ જૈવવિવિધતા સંલગ્ન માહિતી, પરંપરાગત જ્ઞાન અને જૈવવિવિધતાનું દસ્તાવેજીકરણ કરવામાં આવે છે. જેના અનુસંધાને લાભોની પ્રાપ્તિ અને વહેંચણી અંગેની પ્રક્રિયા દ્વારા બી.એમ.સી.ને જૈવવિવિધતા સંરક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ઉપરાંત, રાજ્યમાં જૈવવિવિધતા મહત્વ ધરાવતા સ્થળોને જૈવવિવિધતા વારસાના સ્થળો- BHS તરીકે જાહેર કરવામાં આવે છે. જેમાં કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી ગામ ખાતે આવેલી ઇનલેન્ડ મેન્ગૃવ વિસ્તારને વર્ષ 2025માં ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવી છે. આ જ પ્રકારે ડાંગ જિલ્લાના ચિંચલી ગામ પાસે આવેલા ‘નેચરલ મેંગો ફોરેસ્ટ’ને પણ જૈવવિવિધતા વારસાના સ્થળો તરીકે મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલુ છે. આ અંગે વિવિધ બી.એમ.સી. તેમજ જૈવવિવિધતા સંરક્ષણ કરતા સમૂહોને જાણકારી તેમજ પ્રોત્સાહન મળે તે હેતુથી વિવિધ જાગૃતિ કાર્યક્રમો જેવા કે, રાજ્ય કક્ષાએ વિવિધ જિલ્લામાં ૫ જેટલી કાર્યશાળાઓ અને ૪૧ જૈવવિવિધતા જાગૃતિ રેડિયો કાર્યક્રમો તથા વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવે છે. જેના થકી ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ પોતાના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરીને રાજ્યભરમાં જૈવવિવિધતાની જાળવણી કરવાનું કાર્ય કરી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement