હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ધરતી પર આડેધડ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીને ધરતીને બરબાદ કરી તેને પથ્થર જેવી બંજર બનાવી દીધીઃ રાજ્યપાલ

11:46 AM Dec 24, 2024 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે ભાવનગરના બગદાણા ખાતે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થાન-બગદાણા દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂત દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, આ ધરતી પર સૌના પેટ ભરવાનું કામ ખેડૂતો કરે છે, ખેડૂતો સૌથી મોટા પરોપકારી છે. તેમણે આવનારી પેઢીના ભલા માટે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ કરી હતી. તેમણે પૂજ્ય બજરંગદાસ બાપાને યાદ કરી તેમની પરોપકારી વૃત્તિની પણ સરાહના કરી હતી. બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.

Advertisement

રાજ્યપાલએ કહ્યું કે, ખેડૂતોને એ વાતનો ડર હોય છે કે, રાસાયણિક ખાતર નહીં વાપરીએ તો ઉત્પાદન ઘટી જશે. પરંતુ પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી, બલ્કે વધે છે. પ્રાકૃતિક ખેતીમાં ગાયનું છાણ અને ગૌમૂત્ર વરદાનરૂપ હોવાનું જણાવી તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી માટે રાજ્ય સરકારે અભિયાન ચલાવ્યું છે. જેના પરિણામે આજે રાજ્યમાં લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

તેમણે ઉમેર્યું કે, હિમાચલ પ્રદેશમાં પ્રાકૃતિક ખેતીને સફળ બનાવવામાં મહિલાઓનું બહું મોટું યોગદાન છે. ગુજરાતમાં પણ પ્રાકૃતિક ખેતી માટે બહેનો આગળ આવે એ માટે તેમને તાલીમ આપવામાં આવી રહી છે. પ્રાકૃતિક કૃષિ સખી તરીકે ગામની અન્ય મહિલા ખેડૂત બહેનોને તાલીમ આપનાર બહેનોને દર મહિને મહેનતાણું પણ આપવામાં આવશે.

Advertisement

રાજ્યપાલએ ખેડૂતો સાથે સંવાદ સાધતાં કહ્યું કે, પ્રાકૃતિક ખેતી કરતા ભાવનગરના ખેડૂત નારસંગભાઈ એક વીઘા જમીનમાંથી વર્ષે ત્રણ લાખની આવક મેળવે છે જ્યારે કચ્છના ખેડૂત રતિભાઈ એક એકર જમીનમાંથી આઠ થી દશ લાખની આવક મેળવે છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આપણા ઋષિ- મુનિઓએ વેદોમાં પણ 'ગાવો વિશ્વસ્ય માતરમ્' કહ્યું છે. ગાય આપણી માતા છે, તેવી રીતે ધરતી પણ આપણી માતા છે. પરંતુ આપણે ધરતી પર આડેધડ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીને ધરતીને બરબાદ કરી તેને પથ્થર જેવી બંજર બનાવી દીધી છે.

તેમણે પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂતોને વિસ્તારપૂર્વક સમજાવતાં કહ્યું કે, દેશી ગાયના એક ગ્રામ છાણમાં ત્રણ લાખ સૂક્ષ્મ જીવાણુંઓ હોય છે. સૂક્ષ્મ જીવાણુઓથી ધરતીનું ઓર્ગેનિક કાર્બન બને છે. ધરતીને ફળદ્રુપ અને ઉપજાઉ બનાવવાનું કામ સૂક્ષ્મ જીવાણું અને અળસિયા કરે છે. અળસિયા ખેડૂતો માટે રાત-દિવસ કામ કરે છે એટલે કહી શકાય કે અળસિયા ખેડૂતો માટે જીવે છે અને ખેડૂતો માટે મરે છે. પરંતુ આપણે રાસાયણિક ખાતરનો અંધાધુંધ ઉપયોગ કરીને તેને મારવાનું પાપ કરીએ છીએ.

તેમણે ઉમેર્યું કે, 1960 ના દસકમાં, જે સમયે હરિયાળી ક્રાંતિની જરૂર હતી તે સમયે વૈજ્ઞાનિકોએ એક હેક્ટર જમીનમાં 13 કિ.લો. નાઇટ્રોજન વાપરવાની સલાહ આપી હતી પરંતુ આપણે તેનો આડેધડ ઉપયોગ કરીને ધરતીને ખુબ મોટું નુકશાન પહોંચાડ્યું છે. રાસાયણિક ખાતર યુરિયા-DAP ના વધુ પડતા છંટકાવથી જળવાયું પરિવર્તન માટે ખતરનાક ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે જેનાથી પર્યાવરણને પણ નુકશાન થાય છે. આજે અમેરિકા જેવા ઠંડા પ્રદેશમાં પણ ધરતીનું તાપમાન વધી રહ્યું છે જે સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે.

રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતીને સરળ ભાષામાં સમજાવતા કહ્યું કે, જંગલના વૃક્ષોને ખાતર-પાણી કોણ આપે છે છતાં તે લીલાછમ હોય છે, જે નિયમ જંગલોમાં લાગુ પડે છે એ જ નિયમ આપણા ખેતરમાં પ્રાકૃતિક ખેતીમાં લાગુ પડે છે. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી આપનાવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે બગદાણા ગુરુઆશ્રમના ટ્રસ્ટી ધીરુભાઈ બાબરીયા, જનકભાઈ કાછડીયા, કલેકટરશ્રી આર. કે. મહેતા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ. સોલંકી, પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement
Tags :
Aajna SamacharbarrenBreaking News GujaratiChemical fertilizersearthgovernorGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharhaphazardlyLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsRuinedSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharStoneTaja Samacharuseviral news
Advertisement
Next Article