ભારતીય સુરક્ષાદળોના કવાયતનું લાઈવ પ્રસારણ હવે નહીં થઈ શકે
નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે આતંકવાદ મુદ્દે પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરી છે. જે બાદ બંને દેશ વચ્ચે તણાવ વધ્યો છે. બીજી તરફ સરહદ ઉપર બંને દેશ દ્વારા સુરક્ષા દળોને તૈનાત કરી દેવામાં આવ્યાં છે. દરમિયાન કેન્દ્ર સરકારે શનિવારે દેશના મીડિયા ચેનલોને સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની હિલચાલનું લાઇવ પ્રસારણ ટાળવાની સલાહ આપી હતી, અને કહ્યું હતું કે આવા રિપોર્ટિંગ અજાણતામાં દુશ્મનોને મદદ કરી શકે છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ મીડિયા ચેનલોને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું જીવંત પ્રસારણ ન કરવા માટે સુચન કર્ છે. મંત્રાલય દ્વારા જારી કરાયેલી સલાહમાં કહેવામાં આવ્યું છે કે, 'રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં, તમામ મીડિયા પ્લેટફોર્મ, સમાચાર એજન્સીઓ અને સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ સંરક્ષણ અને અન્ય સુરક્ષા સંબંધિત કામગીરી સંબંધિત બાબતો પર રિપોર્ટિંગ કરતી વખતે અત્યંત જવાબદારીનો ઉપયોગ કરે અને હાલના કાયદા અને નિયમોનું કડક પાલન કરે.'