આયર્લેન્ડમાં ભારતીય નાગરિકો પર થઈ રહેલા હુમલાઓ અંગે ભારતીય દૂતાવાસે માર્ગદર્શિકા જારી કરી
નવી દિલ્હીઃ ભારતીય દૂતાવાસે આયર્લેન્ડમાં તાજેતરમાં ભારતીય નાગરિકો પર હુમલાઓમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકા જારી કરી છે. ડબલિન સ્થિત ભારતીય દૂતાવાસે આયર્લેન્ડમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને વ્યક્તિગત સલામતી માટે યોગ્ય સાવચેતી રાખવા અને નિર્જન વિસ્તારોમાં જવાનું ટાળવાની સલાહ આપી છે. આ સંદર્ભમાં દૂતાવાસ આયર્લેન્ડના સંબંધિત અધિકારીઓ સાથે સંપર્કમાં છે.
વિદેશની ધરતી પર ભારતીયો અવારનવાર રંગભેદનો ભોગ બની રહ્યા છે. આયર્લેન્ડની રાજધાની ડબલિનમાં વંશીય ટોળાએ 40 વર્ષીય ભારતીય પર હુમલો કર્યો હતો. તેના કપડાં ફાડી ચહેરા, હાથ, અને પગ પર ઢોરમાર મારવામાં આવ્યો હતો. પીડિત અર્ધબેભાન અવસ્થામાં સરી પડ્યો હતો.
આયર્લેન્ડની રાજધાની ડબલિનમાં એક વંશવાદી ટોળાએ 40 વર્ષીય ભારતીય પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ વ્યક્તિ સાથે મારપીટ કરી તેના કપડાં ફાડી નાખ્યા હતાં. વ્યક્તિના ચહેરા, હાથ, અને પગમાં ઢોર માર મારવામાં આવતાં તે લોહીલુહાણ થયો હતો. આ ભારતીય પર બાળકો સામે અયોગ્ય વ્યવહાર કરવાનો ખોટો આરોપ મૂકી મારપીટ કરવામાં આવી હતી. આયરિશ પોલીસે આ મામલે હેટ ક્રાઈમનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.