ભારત અને ઇઝરાયલનો આતંકવાદના શૂન્ય સહિષ્ણુતાના વૈશ્વિક અભિગમને સુનિશ્ચિત કરવાનો પુનરોચ્ચાર
નવી દિલ્હી: ભારત અને ઇઝરાયલે આતંકવાદના તમામ સ્વરૂપો માટે શૂન્ય સહિષ્ણુતાના વૈશ્વિક અભિગમને સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ગઈકાલે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ઇઝરાયલના વિદેશ મંત્રી ગિડીઓન સાર વચ્ચેની વાતચીત દરમિયાન આ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.
ઇઝરાયલ વિદેશમંત્રી ભારતની બે દિવસીય મુલાકાતે છે. મંત્રાલયે જણાવ્યું કે બંને નેતાઓએ ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીના સમગ્ર સ્પેક્ટ્રમને આવરી લેતી અર્થપૂર્ણ અને વ્યાપક ચર્ચાઓ કરી હતી. બંને મંત્રીઓએ રાજકીય, સુરક્ષા, કૃષિ, વેપાર અને રોકાણ, સંરક્ષણ અને લોકો-થી-લોકોના સંબંધો તેમજ મહત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, સાયબર સુરક્ષા અને કૃત્રિમ બુદ્ધિમત્તા સહિત અન્ય ક્ષેત્રોમાં ચાલી રહેલા સહયોગની પણ સમીક્ષા કરી હતી.
ડૉ. જયશંકરે ગાઝા શાંતિ યોજના માટે ભારતનો ટેકો પણ વ્યક્ત કર્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી કે, શાંતિ યોજના મજબૂત અને લાંબા ગાળાના ઉકેલ માટે માર્ગ મોકળો કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બંને દેશોએ સુષ્મા સ્વરાજ ફોરેન સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ અને ઇઝરાયલ વિદેશ મંત્રાલય વચ્ચે તાલીમ અંગેના સમજૂતી કરાર પર પણ હસ્તાક્ષર કર્યા છે.