ઈન્ડોનેશિયામાં મૃત્યુદંડની સજા પામેલા 3 ભારતીય નાગરિકોને ભારતીય કોન્સ્યુલેટ કાનૂની સહાય પુરી પાડશે
નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે ઇન્ડોનેશિયામાં ડ્રગ્સની હેરાફેરી કરવાના આરોપમાં મૃત્યુદંડની સજા પામેલા ભારતીય મૂળના ત્રણ નાગરિકો અંગે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. દિલ્હી હાઈકોર્ટે ઇન્ડોનેશિયામાં ભારતીય કોન્સ્યુલેટને આ ત્રણ ભારતીયોને તાત્કાલિક અને પૂરતી કાનૂની સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે જેથી તેઓ અપીલ પ્રક્રિયાને આગળ ધપાવી શકે છે.
દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ સચિન દત્તાની બેન્ચે ત્રણેય દોષિતોની પત્નીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો. કોર્ટે વિદેશ મંત્રાલયને પણ નિર્દેશ આપ્યો કે તેઓ આ મામલો ઇન્ડોનેશિયા સરકાર સાથે રાજદ્વારી સ્તરે ઉઠાવે જેથી ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
હકીકતમાં, તમિલનાડુના રહેવાસી રાજુ મુથુકુમારન, સેલ્વાડુરાઈ દિનાકરણ અને ગોવિંદસામી વિમલકંધનને ગયા વર્ષે જુલાઈ 2024 માં ઇન્ડોનેશિયાના દરિયાકાંઠે લેજેન્ડ એક્વેરિયસ નામના કાર્ગો જહાજ પર 106 કિલો ક્રિસ્ટલ મેથની દાણચોરી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તાજેતરમાં ઇન્ડોનેશિયાની તાંજુંગ બલાઈ કરીમુન જિલ્લા અદાલતે તેને મૃત્યુદંડની સજા ફટકારી છે.
દિલ્હી હાઈકોર્ટમાં ત્રણેય દોષિતો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે ત્રણેય દોષિતો મર્યાદિત સંસાધનો ધરાવતા પરિવારોમાંથી આવે છે અને સિંગાપોરમાં એક શિપિંગ કંપનીમાં કામ કરતા હતા. તેઓ પોતપોતાના પરિવારના એકમાત્ર કમાનાર સભ્યો છે. અરજદારોએ એમ પણ કહ્યું હતું કે અપીલ દાખલ કરવાની સમય મર્યાદા ખૂબ જ મર્યાદિત છે અને યોગ્ય કાનૂની પ્રક્રિયાને અનુસરીને તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે. જે બાદ દિલ્હી હાઈકોર્ટે એવો પણ આદેશ આપ્યો હતો કે દોષિતો અને ભારતમાં રહેતા તેમના સંબંધીઓ વચ્ચે વાતચીતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે. હવે આ કેસની આગામી સુનાવણી મંગળવાર (6 મે, 2025) ના રોજ નક્કી કરવામાં આવી છે.