ભારતીય સેનાને મળશે 12 એમપીસીડીએસ ડ્રોન સિસ્ટમ
નવી દિલ્હીઃ બદલાતી યુદ્ધ તકનીકો અને આધુનિક હવાઈ ખતરાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના હવે ડ્રોન ટેક્નોલોજી પર ખાસ ભાર મૂકી રહી છે. આ અંતર્ગત સેનાને ટૂંક સમયમાં મેન પોર્ટેબલ કાઉન્ટર ડ્રોન સિસ્ટમ (એમપીસીડીએસ) મળવા જઈ રહી છે. આ સિસ્ટમ દુશ્મનના ડ્રોનની ઓળખ કરી તેમના સિગ્નલને બ્લોક કરવામાં સક્ષમ છે, જેના કારણે જમીન પર તૈનાત સૈનિકો સુરક્ષિત રહેશે. એક્સિસકેડ્સ કંપનીને ભારતીય સેનાથી 12 એમપીસીડીએસ પુરવઠો કરવાનો નવો ઓર્ડર મળ્યો છે. કંપનીએ આ માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં જ એક્સિસકેડ્સની સહાયક કંપની મિસ્ટ્રલ સોલ્યુશન્સને ડીઆરડીઓ તરફથી સુખોઈ-30 એમકેઆઈ લડાકૂ વિમાનોના અપગ્રેડ માટે 10 ઇલેક્ટ્રોનિક કન્ટ્રોલ યુનિટ બનાવવા રૂ.150 કરોડનો ઓર્ડર મળ્યો હતો. એમપીસીડીએસ 5 કિલોમીટર સુધી દુશ્મનના ડ્રોનને શોધી શકે છે અને વ્યાપક આવર્તન શ્રેણીમાં તેમના સિગ્નલને બ્લોક કરી શકે છે. આ પ્રણાલી સૈનિકોને માનવરહિત હવાઈ હુમલાથી વિશ્વસનીય સુરક્ષા પૂરી પાડે છે.
કંપનીના રક્ષા પ્રમુખ શરદ ચંદ્ર બાબુએ જણાવ્યું કે આ ઓર્ડર ભારતીય સેનાનો નવી પેઢીની સ્વદેશી કાઉન્ટર-ડ્રોન ટેક્નોલોજીમાં વિશ્વાસ દર્શાવે છે. એમપીસીડીએસની પોર્ટેબલ અને મોબાઇલ પ્રકૃતિ તેને ઝડપથી તૈનાત કરવા યોગ્ય બનાવે છે, ખાસ કરીને સરહદી વિસ્તારો અને જોખમી પરિસ્થિતિઓમાં.
ભારત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીન સાથે સરહદ ધરાવે છે, પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ વધારે તંગ બન્યાં છે. બીજી તરફ બાંગ્લાદેશમાં પણ સત્તા પરિવર્તન બાદ કટ્ટરપંથીઓએ ભારત સામે ઝેર ઓકવાનું શરૂ કર્યું છે. તેમજ બાંગ્લાદેશમાં લઘુમતીઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. જેથી ભારત દ્વારા સરહદ ઉપર સઘન પેટ્રોલીંગ શરૂ કરી દીધું છે.