આધારકાર્ડ ઓળખનો પુરાવો, નાગરિકતાનો નહીંઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ બિહારમાં ચાલી રહેલા મતદાર યાદીના વિશેષ સુધારણા દરમિયાન ઉઠેલી કાનૂની ચર્ચાઓ વચ્ચે ચૂંટણી આયોગે સુપ્રીમ કોર્ટને સ્પષ્ટ કર્યું છે કે આધાર કાર્ડનો ઉપયોગ માત્ર ઓળખ પૂરાવા તરીકે થઈ શકે છે, નાગરિકતા પુરાવા તરીકે નહીં. આયોગે જણાવ્યું કે આ અંગેના જરૂરી માર્ગદર્શનો પહેલેથી જ મુખ્ય ચૂંટણી અધિકારીને આપવામાં આવ્યા છે.
ચૂંટણીપંચે પોતાના એફિડેવિટમાં જણાવ્યું કે 8 સપ્ટેમ્બરના સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ આધાર કાર્ડનો ઉપયોગ મતદાર યાદી અપડેટ કરતી વખતે માત્ર ઓળખ સ્થાપિત કરવા માટે કરી શકાશે.
આ નિર્ણયના આધારે ચૂંટણી આયોગે 9 સપ્ટેમ્બર 2025ના રોજ બિહારના CEOને સ્પષ્ટ માર્ગદર્શનો મોકલ્યા હતા કે આધારને કોઈ પણ પરિસ્થિતિમાં નાગરિકતા પુરાવા તરીકે સ્વીકારાશે નહીં. આ નિયમ મતદાર યાદીમાં નામ ઉમેરવા કે દૂર કરવા બંને પ્રક્રિયાઓ દરમિયાન પાલન કરવો ફરજિયાત છે.
ચૂંટણીપંચે આ જવાબ તે ઈન્ટરલોક્યુટરી અરજીના સંદર્ભમાં આપ્યો જેમાં વકીલ અશ્વિની ઉપાધ્યાયએ માંગ કરી હતી કે આધારનો ઉપયોગ માત્ર ઓળખ અને પ્રામાણિકરણ પૂરતો જ મર્યાદિત રાખવામાં આવે.પૂંચણીપંચે સુપ્રીમ કોર્ટને આશ્વસ્ત કર્યું કે, તેના તમામ વર્તમાન નિયમો અને સૂચનો આ જ કાનૂની ભાવના સાથે સુસંગત છે.
ચૂંટણી આયોગે વધુમાં જણાવ્યું કે, UIDAIએ ઑગસ્ટ 2023ના ઓફિસ મેમો (OM)માં સ્પષ્ટ કરી દીધું છે કે આધાર કાર્ડ નાગરિકતા નહીં સાબિત કરે છે, રહેઠાણનો પુરાવો નહીં એટલું જ નહીં જન્મતારીખનો પુરાવો પણ નહીં બને. આ OMનો ઉલ્લેખ બૉંબે હાઈ કોર્ટે પણ કર્યો હતો અને કહ્યું હતું કે જન્મતારીખ સાબિત કરવાની જવાબદારી આધાર ધારકની જ રહે છે. આયોગે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ અને UIDAIની ગાઈડલાઈનો બંને સ્પષ્ટ રીતે દર્શાવે છે કે આધાર કાર્ડની ભૂમિકા મર્યાદિત છે અને તે મતદારયાદીમાં નાગરિકતા નિર્ધારણ માટે ઉપયોગી નથી.