ભારતીય તીરંદાજ કુશલ દલાલે લક્ઝમબર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો
નવી દિલ્હીઃ ભારતીય તીરંદાજ કુશલ દલાલે લક્ઝમબર્ગમાં યોજાયેલી જીટી ઓપન ઇન્ડોર વર્લ્ડ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરીને પુરુષોની કમ્પાઉન્ડ ટાઇટલ જીતી લીધું છે. કુશલ દલાલે ફાઇનલમાં અસાધારણ પ્રદર્શન કર્યું હતું અને અમેરિકાના ભૂતપૂર્વ વિશ્વ નંબર વન તીરંદાજ સ્ટીફન હેન્સનને હરાવીને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો. ફાઇનલ મેચ ડબલ્સ શૂટ-ઓફ સુધી પહોંચી હતી, જ્યાં કુશલે પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી જીત હાંસલ કરી હતી. આ પહેલાં, કુશલે સેમિફાઇનલ મેચમાં ફ્રાન્સના વર્લ્ડ ચેમ્પિયન નિકોલસ ગેરાર્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
આ જ ઇવેન્ટમાં, ભારતના અન્ય એક યુવા તીરંદાજ ગણેશ મણિરત્નમ તિરુમુરુએ પણ દેશનું નામ રોશન કર્યું છે. તેણે અંડર-21 પુરુષોની કમ્પાઉન્ડ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કુશલ દલાલની આ જીત ભારતીય તીરંદાજી માટે એક મોટી સિદ્ધિ છે, જે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની વધતી શક્તિને દર્શાવે છે.