રશિયા સાથે વેપાર કરનાર દેશો સામે અમેરિકા અપનાવશે આકરુ વલણ
વોશિંગ્ટનઃ અમેરિકાએ ખૂબ જ કડક નીતિ અપનાવતા રશિયા સાથે વેપાર કરનારા દેશો પર નવા પ્રતિબંધો મૂકવાની તૈયારીમાં છે. પૂર્વ અને સંભવિત નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે રિપબ્લિકન પાર્ટી એક મહત્વનું બિલ લાવી રહી છે, જેના અમલ બાદ રશિયા સાથે વેપાર કરવું કોઈપણ દેશ માટે બહુ મુશ્કેલ બની જશે. ટ્રમ્પે મીડિયાને જણાવ્યું કે રશિયાના વેપારી ભાગીદાર દેશો “યુક્રેન યુદ્ધને નાણાકીય સહાય” પૂરી પાડે છે, ખાસ કરીને તે દેશો જે રશિયાથી ક્રૂડ ઓઈલ અને ગેસ ખરીદે છે. “આ દેશો યુક્રેન યુદ્ધને લંબાવવા માટે જવાબદાર છે,” એમ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું.
રશિયા સાથે વેપાર કરનારા દેશોની યાદીમાં ભારત અને ચીન સૌથી ઉપર છે. અમેરિકા પહેલેથી જ ભારત પર રશિયન તેલ ખરીદી બદલ વધારાના ટેરિફ લગાવી ચૂક્યું છે. ટ્રમ્પ પ્રશાસનનો આ નવો કાયદો પસાર થાય તો રશિયા પાસેથી તેલ અથવા ગેસ ખરીદનારા દેશો પાસેથી 500% સુધી આયાત શુલ્ક વસૂલવાનો અધિકાર ટ્રમ્પને મળી શકે છે. અમેરિકાના આ નિર્ણયને પગલે ભારત અને ચીન સાથે–સાથે ઈરાન પર પણ મોટું આર્થિક દબાણ આવી શકે છે.
દરમિયાન ભારત અને રશિયા વચ્ચેનો પરસ્પર વેપાર ઝડપથી વધી રહ્યો છે. બંને દેશો 2030 સુધી દ્વિપક્ષીય વેપારને 100 અબજ ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્ય રાખે છે. ભારત–યુરેશિયન ઈકોનોમિક યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) પણ શક્યતાના તબક્કે છે. આ સ્થિતિ અમેરિકાના નવા કાયદાને ભારત માટે વધુ ચિંતાજનક બનાવે છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, જો આ બિલ પાસ થાય તો વૈશ્વિક તેલ બજારમાં મોટું ઉથલપાથલ સર્જાઈ શકે છે. રશિયા–ભારત–ચીનના ઊર્જા સંબંધો પર સીધી અસર પડશે અને અમેરિકા–ભારત સંબંધોમાં નવી જટિલતા ઉમેરાઈ શકે છે.