ભારતે ITF માસ્ટર્સ વર્લ્ડ ટેનિસ ચેમ્પિયનશિપમાં ચાર મેડલ જીત્યા
નવી દિલ્હીઃ 9 થી 22 માર્ચ દરમિયાન તુર્કીના અંતાલ્યામાં યોજાયેલી ITF માસ્ટર્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં ભારતીય ટેનિસ દિગ્ગજોએ વૈશ્વિક મંચ પર પોતાની પ્રતિભા દર્શાવી, ચાર પ્રતિષ્ઠિત મેડલ જીત્યા. પ્રાપ્ત માહિતી અનુસાર, ક્લે કોર્ટ પર 30 , 35 , 40 અને 45 વય શ્રેણીઓમાં સ્પર્ધા કરતી વખતે, ટીમ ઇન્ડિયાએ ટોચના આંતરરાષ્ટ્રીય હરીફો સામે નોંધપાત્ર કૌશલ્ય, દૃઢ નિશ્ચય અને ખેલદિલીનું પ્રદર્શન કર્યું હતું.
પુરુષ ડબલ્સમાં લક્ષિત સૂદ અને ચંદ્રિલ સૂદ તથા પુરુષોની ટીમ ચંદ્રિલ સૂદ, લક્ષિત સૂદ, ગોવિંદ પ્રસાદ મૌર્ય અને શિખર ગઢએ સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે મિક્સ ડબલ્સમાં જિતિન બિશ્નોઈ અને અક્ષિતા બસવરાજુ તેમજ મેન્સ ડબલ્સમાં મિશાલ જાવિયા અને કાર્તિકેય સિંહ વર્માએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA) બધા મેડલ વિજેતાઓને અભિનંદન આપે છે અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવે છે.