ભારતનું શક્તિચિહ્ન : લદ્દાખમાં તૈયાર થયું દેશનું સૌથી ઊંચું એરબેસ
લદ્દાખ: ભારતે પૂર્વી લદ્દાખમાં ચીનની સરહદથી અતિ નજીક આવેલ ન્યોમા ખાતે દેશનું સૌથી ઊંચું એરબેસ તૈયાર કરી લીધું છે. ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-130J સુપર હરક્યુલિસમાં સવાર થઈને ન્યોમા એરબેસ પર સફળ લેન્ડિંગ કર્યું હતું. આ એરબેસ 13,700 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે અને ચીનની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)થી ફક્ત 30 કિલોમીટર દૂર છે. આ પ્રોજેક્ટ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને સરહદી કનેક્ટિવિટી માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થયો છે.
ચીનની સરહદની સૌથી નજીક આવેલ ન્યોમા એડવાન્સ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ (ALG) હવે સંપૂર્ણ રીતે કાર્યરત બની ગયું છે. નજીક ભવિષ્યમાં અહીંથી લડાકૂ વિમાનોના ઓપરેશન પણ શરૂ થઈ શકે છે, જેના કારણે ન્યોમા દુનિયાની સૌથી ઊંચાઈ પર ફાઇટર જેટ ઓપરેશન ધરાવતી હવાઈ પટ્ટી બની જશે. ન્યોમા એરબેસ સાથે હવે લદ્દાખ વિસ્તારમાં વાયુસેનાના ચાર મુખ્ય એરબેસ થઈ ગયા છે લેહ, કારગિલ, થોઇસ (સિયાચીન બેઝ કેમ્પ નજીક) અને હવે ન્યોમા. જો કે આ પહેલાંના ત્રણેય એરબેસ LACથી દૂર છે. તેમજ દૌલત બેગ ઓલ્ડી (DBO) ખાતે એક નાની એરસ્ટ્રિપ છે જ્યાં હેલિકોપ્ટર અને મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાનો ઉતારી શકાય છે.
આ પ્રોજેક્ટ વર્ષ 2021માં 214 કરોડ રૂપિયાની કિંમત સાથે મંજૂર કરવામાં આવ્યો હતો. ત્રણ કિલોમીટર લાંબી નવા રનવેના કારણે હવે સુરક્ષા દળોને ચીનની સરહદ પર ઝડપથી તૈનાત થવામાં સહેલાઈ થશે. આ એરબેસ ભારતની ઉત્તરીય સરહદ પર રણનીતિક ક્ષમતાને વધુ મજબૂત બનાવશે. પ્રોજેક્ટની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવી હતી કે આપાતકાલીન મિશનો અને ઊંચાઈ પર ભારે વિમાનોની અવરજવર શક્ય બને.
ન્યોમા એરબેસ પ્રોજેક્ટ ચાર વર્ષના લાંબા ઈંતજાર બાદ 2025માં પૂર્ણ થયો છે. આ સમયગાળામાં ભારતે ચીન સાથે વધેલા તણાવને ધ્યાનમાં રાખીને LACની નજીક અનેક રસ્તા, ટનલ અને પુલોના નિર્માણ ઝડપથી કર્યા છે. આ નવા એરબેસથી હવે ભારતીય વાયુસેના સૈનિકો, ઉપકરણો અને પુરવઠાને સરહદી વિસ્તારોમાં પહેલાં કરતાં ઘણી ઝડપથી પહોંચાડી શકશે, જે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવી રહી છે.