For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે: ભૂપેન્દ્ર પટેલ

06:10 PM Nov 08, 2024 IST | revoi editor
ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે  ભૂપેન્દ્ર પટેલ
Advertisement

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદમાં FICCIની નેશનલ એક્ઝીક્યુટીવ મિટ મળી હતી. કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ગુજરાતની વિકાસ ગાથાની પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીને FICCIના પ્રેસિડેન્ટ અનિશ શાહે ગ્રીન સર્ટીફીકેટ અર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રીએ છેલ્લા 10 વર્ષમાં જે નિર્ણયો લીધા તેના પરિણામે ભારત આત્મનિર્ભરતાથી વિકાસ રાહે દોડતું થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 'નેશન ફર્સ્ટ'ના ભાવથી વિકાસના કેવા ઊંચા લક્ષ્યો અને પરિણામો સિદ્ધ કરી શકાય તેનું ઉદાહરણ દેશ અને દુનિયાને પૂરું પાડ્યું છે. એટલું જ નહીં, તાજેતરમાં IMFના અહેવાલમાં પણ એવા નિર્દેશ આપવામાં આવ્યા છે કે ભારતનો વિકાસ દર 7 ટકા જેટલો એટલે કે વિશ્વના વિકસિત દેશો કરતા પણ વધુ રહેવાનો છે.

Advertisement

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વિઝનરી સોચ અને આયોજનબદ્ધ વિકાસની નેમ હોય તો સ્થિતિ કેવી બદલી શકાય તે પ્રધાનમંત્રી મોદીના દિશાદર્શનમાં ગુજરાતે દેશના ગ્રોથ એન્જિન તરીકે પુરવાર કર્યું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, 2001માં જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારે રાજ્ય સામે ભૂકંપની આફત સહિત અનેક પડકારો હતા. પડકારોને તકમાં પલટાવી વિકાસ માટે નિરંતર આગળ વધવાનો આગવો મિજાજ ધરાવતા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે પ્રજાકીય સહયોગથી પુરુષાર્થ કરીને આજે દેશમાં વિકાસના રોલ મોડેલનું ગૌરવ મેળવ્યું છે.

1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો દેશના સામુદ્રિક વેપારનું પ્રવેશદ્વાર બનાવ્યો તથા ગુજરાતને ટ્રેડ-કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ મેપ પર ચમકાવવાની સફળતા 2003થી વાઇબ્રન્ટ સમિટ શરૂ કરીને મેળવી તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. રાજ્યમાં આગામી દિવસમાં નવા સેમીકંડકટર પ્લાન્ટ શરૂ થવાના છે આ ઉપરાંત કચ્છમાં સૌથી મોટો સોલાર એન્ડ વિન્ડ હાઇબ્રીડ એનર્જી પાર્ક નિર્માણાધીન છે અને ગુજરાત રીન્યુએબલ એનર્જી હબ છે તેની વિગતો પણ મુખ્યમંત્રીએ દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા FICCIના પદાધિકારીઓ સમક્ષ આપી હતી. તેમણે સૌને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement