ભારતે ચિલીને WAVES 2025માં આમંત્રણ આપ્યું
નવી દિલ્હીઃ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા સંસદીય બાબતોનાં રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગને ચિલીનાં રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટની પાંચ દિવસની ભારત મુલાકાતનાં ભાગરૂપે નવી દિલ્હીમાં ચિલીનાં સાંસ્કૃતિક, કળા અને વારસા મંત્રી મહામહિમ શ્રીમતી કેરોલિના એરેડોન્ડો સાથે મુલાકાત કરી હતી. મંત્રીએ વિવિધ ચર્ચાઓનું સંચાલન કર્યું, ખાસ કરીને આગામી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES) અંગે, જે 1 થી 4 મે, 2025 દરમિયાન યોજાવાની છે. મંત્રીએ આ કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું અને મહામહિમ શ્રીમતી કેરોલિના એરેડોન્ડોને ભારતીય શિલ્પો દર્શાવતું એક પેઇન્ટિંગ ભેટમાં આપ્યું હતું.
આ બેઠકમાં ચિલીના પ્રતિનિધિમંડળના સભ્યો પણ હાજર રહ્યા હતા, જેમાં ચિલીના દૂતાવાસના ત્રીજા સચિવ માર્ટિન ગોર્માઝ, વિદેશ મંત્રાલયના અંડર સેક્રેટરી લક્ષ્મી ચંદ્રા અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ (ફિલ્મો) ડૉ. અજય નાગભૂષણ એમ.એન.નો સમાવેશ થાય છે. પ્રજાસત્તાક ચીલીનાં રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટ 1થી 5 એપ્રિલ, 2025 સુધી ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યાં છે, જે બંને દેશો વચ્ચેનાં રાજદ્વારી સંબંધોનાં 76 વર્ષ પૂર્ણ થવાની યાદગીરી સ્વરૂપે છે. રાષ્ટ્રપતિ બોરિક નવી દિલ્હી ઉપરાંત આગ્રા, મુંબઈ અને બેંગલુરુની મુલાકાત લેવાના છે. રાષ્ટ્રપતિ બોરિકની આ ભારતની પ્રથમ મુલાકાત છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટે તેમની ચર્ચા દરમિયાન બંને દેશો વચ્ચે આર્થિક જોડાણો વધારવાના ઉદ્દેશ સાથે વિસ્તૃત આર્થિક ભાગીદારી સમજૂતી માટે વાટાઘાટો શરૂ કરવા સંમતિ વ્યક્ત કરી હતી. તેમણે ખનિજો, ઊર્જા, સંરક્ષણ, અંતરિક્ષ અને કૃષિ જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને જોડાણની પ્રચૂર શક્યતા ધરાવતાં ક્ષેત્રો તરીકે ઓળખી કાઢ્યાં હતાં અને તેની ચર્ચા કરી હતી. ચિલીમાં યોગ અને આયુર્વેદની વધતી જતી લોકપ્રિયતાને કારણે ગાઢ સંબંધો માટે આરોગ્ય સંભાળ આશાસ્પદ માર્ગ તરીકે ઉભરી આવી હતી, જે બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાનનો પુરાવો છે. બંને નેતાઓએ વિદ્યાર્થીઓનાં આદાન-પ્રદાનનાં કાર્યક્રમો અને અન્ય પહેલો મારફતે સાંસ્કૃતિક અને શૈક્ષણિક જોડાણોને ગાઢ બનાવવાનાં મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો.