શુક્રવારે રાષ્ટ્ર સ્વતંત્રતા દિવસની ઉજવણી દેશભક્તિથી કરાશે ઉજવણી, પ્રધાનમંત્રી લાલ કિલ્લા ખાતેથી તિરંગો લહેરાવીને સંબોધન કરશે
નવી દિલ્હીઃ આવતીકાલે રાષ્ટ્ર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી ઉજવણીનું નેતૃત્વ કરશે. તેઓ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે અને પ્રતિષ્ઠિત સ્મારકની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધન કરશે.2047 સુધીમાં વિકસિત ભારતના સરકારના વિઝનને સાકાર કરવા તરફ રાષ્ટ્ર પ્રગતિ કરી રહ્યું છે, આ વર્ષના ઉજવણીનો વિષય-નયા ભારત છે. આ ઉજવણીઓ સમૃદ્ધ, સુરક્ષિત અને નવા ભારતના નિર્માણના સંકલ્પને વધુ બળ પુરૂ પાડશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે લાલ કિલ્લા પરથી તેમનું પરંપરાગત સ્વતંત્રતા દિવસનું ભાષણ આપશે. દેશની ઐતિહાસિક ઇમારતો અને કચેરીઓને તિરંગાના રંગથી શણગારવામાં આવી છે. સાથેજ સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવામાં આવી છે. દેશની રાજધાની દિલ્હીમાં લોખંડી પોલીસ બંદોબસ્ત માટે આધુનિક ઇક્વીપમેન્ટથી સજ્જ હજારો પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
ભારત દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે, જે 1947માં બે સદીઓથી વધુ સમય સુધી ચાલેલા બ્રિટિશ વસાહતી શાસનથી મળેલી સ્વતંત્રતાને ચિહ્નિત કરે છે. આ પ્રસંગ ધ્વજવંદન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપીને ચિહ્નિત કરવામાં આવે છે.