For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડોદરામાં વિશ્વામિત્રી નદીને ઊંડી કરવા માટે મગરોને અન્યત્ર ખસેડાશે

06:32 PM Jan 19, 2025 IST | revoi editor
વડોદરામાં વિશ્વામિત્રી નદીને ઊંડી કરવા માટે મગરોને અન્યત્ર ખસેડાશે
Advertisement
  • એક મહિનો મગરોની વસતી ગણતરી કરાશે
  • 24 કિમી નદીને 10 ફુટ ઊંડી કરાશે
  • મગરોને ખસેડવા કેન્દ્ર સરકાર પાસે મંજુરી માગવામાં આવી

વડોદરાઃ શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગત ચોમાસામાં આવેલા પૂરને લીધે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા. વિશ્વામિત્રી પૂર બાદ સફાળી જાગી ગયેલી સરકાર હવે નદી ઊંડી તથા પહોળી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે રાજ્ય સરકારે 1200 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે. જો કે અંદાજે ખર્ચ 3200 કરોડ સુધી થાય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 24 કિ.મી. સુધીની વિશ્વામિત્રી નદી 10 ફૂટ સુધી ઊંડી કરવા માટે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. નદીમાં મગરો વધુ હોવાથી વાઈલ્ડ લાઈફ બોર્ડ દ્વારા એનઓસી મળ્યા બાદ નદી ઊંડી કરવાની કામગીરી શરૂ થઈ શકશે. વાઈલ્ડ લાઈફ બોર્ડ દ્વારા આ માટે પ્રક્રિયા કરવામાં આવી છે અને મગરની વસ્તી ગણતરી કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

Advertisement

વડોદરામાં વિશ્વામિત્રી નદીને 24 કિમી સુધી 10 ફુટ ઊંડી કરવામાં આવશે. ભવિષ્યમાં પૂરની સ્થિતિ ન સર્જાય એવું આયોજન કરવામાં આવી રહ્યું છે. નદીને ઊંડી કરતા પહેલા નદીમાં રહેલા મગરોનું સ્થળાંતર કરવામાં આવશે. વર્ષ-1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગર હતા. જોકે આજે વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગરોને રિ-લોકેટ કરવાની આ તૈયારીઓ વચ્ચે 16 જાન્યુઆરીના રોજ વિશ્વામિત્રી નદીમાંથી બે મહાકાય મગરોના મૃતદેહ મળી આવ્યા હતા. શહેરમાં છેલ્લા 2 મહિનામાં 6 મગરના મોત થયા છે. અચાનક આ રીતે મગરના થઈ રહેલા મોતના કારણે મગરોના અસ્તિત્વ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

વિશ્વામિત્રી નદીમાં રહેલા મગર વરસાદી પૂર વખતે વડોદરા શહેરમાં દોડવા લાગે છે ત્યારે નદીમાં કેટલા મગર છે તેની વસ્તી ગણતરી કરવામાં આવશે. આ અંગે એડીશનલ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડો. જયપાલ સિંહે જણાવ્યું હતું કે, વન્ય પ્રાણી જે શિડ્યુઅલ-1માં આવે છે તેમને જો જરૂર પડે તો ટેમ્પરરી રિ-લોકેટ કરવાના થાય છે. આ સત્તા ભારત સરકારની છે એટલે અમે લોકોએ એક પ્રપોઝલ કરી છે. મગરો કામ કરતી વખતે સામે આવી જાય અને આગળ-પાછળ ના જાય તો કામ થઈ શકે નહીં એટલે ટેમ્પરરી શિફટ કરીને વડોદરા ઝૂ કે અન્ય સુવિધામાં રાખીએ. જેવું કામ પૂરું થાય કે તરત જ તેમને ફરીથી નદીમાં પાછા છોડી દઈએ. વડોદરા કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ તરફથી પ્રપોઝલ આવ્યું હતું એટલે અત્યારે અમે ભારત સરકારમાં એક પ્રપોઝલ કર્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement