કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને પીવાનું પાણી મળતું નથી
- કડકડતી ઠંડીમાં અગરિયાઓ પાણી મેળવવા રઝળપાટ કરે છે,
- 2000 જેટલાં અગરિયા પરિવારો અફાટ રણમાં ઝૂંપડા બાંધીને વસવાટ કરી રહ્યા છે,
- અગાઉ પાણીના ટેન્કરો આવતા હતા તે બંધ કરી દેવાયા
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કચ્છના નાના રણ કરીકે ઓળખતા ખારાઘોડા, પાટડી, ઝીંઝુવાડા સહિતના રણ વિસ્તારમાં ભર શિયાળે અગરિયા પરિવારો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કડકડતી ઠંડીમાં અગરિયા પરિવારો કાળી મજુરી કરીને મીઠું પકવી રહ્યા છે. રણકાંઠાના 2,000થી વધુ અગરિયા પરિવારો રણમાં મીઠું પકવવા ગયાને દોઢ-બે માસ વિતવા છતાં પાણી પૂરવઠા વિભાગ દ્વારા પાણીના ટેન્કર ચાલુ ના કરાતા અગરિયા પરિવારો શિયાળાની શરૂઆતમાં તરસ્યા હોવાનો ઘાટ સર્જાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ખાઘોડાના રણ વિસ્તારમાં 2,000થી વધુ ગરીબ અને પછાત અગરિયા પરિવારો વર્ષના આઠ મહિના પોતાના પરિવારજનો સાથે રણમાં ઝૂંપડું બાંધી પરંપરાગત રીતે મીઠું પકવવાનો વ્યવસાય કરે છે. આ હજારો અગરિયા પરિવારો રણમાં મીઠું પકવવા ગયાને અંદાજે દોઢ-બે માસ જેટલો સમય વિતવા છતાં પાણી પૂરવઠા વિભાગ દ્વારા ટેન્કરો દ્વારા પાણી ચાલુ ના કરાતા હજારો અગરિયા પરિવારો શિયાળાની શરૂઆતમાં જ તરસ્યા હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે. હાલમાં રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારોને મીઠું પકવવાનું કામકાજ છોડીને પીવાના પાણીની એક એક બુંદ માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે.
આ અંગે વધુ વિગત આપતા અગરિયા આગેવાન વિજાભાઇએ જણાવ્યું હતું કે, પાણી પૂરવઠા વિભાગ દ્વારા દર વર્ષે આ સમયે ઓડું પાઇપ લાઇનથી અગરિયાઓને પાણી પૂરૂં પાડવાની સાથે રણમાં દૂરના અગરિયાઓ માટે પીવાના પાણીના ત્રણ ટેન્કરો પણ ચાલુ કરાયા નથી. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાંયે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આથી આ બાબતે પાણી પૂરવઠા વિભાગ દ્વારા તાકીદે યોગ્ય કાર્યવાહી હાથ ધરાય એવી વ્યાપક માંગ રણના અગરિયા સમુદાયે ઉઠાવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આખા સુરેન્દ્રનગર જિલ્લાની ખેતીને પુરૂ પાડી શકે એટલું નર્મદાનું નીર રણમાં દર વર્ષે વેડફાતું હોય છે અભયારણ્ય વિભાગે રણમાં પાઇપલાઇન નાંખવાની મંજૂરી ના આપતા દોઢ કરોડની પાઇપલાઇન પડી પડી સડી ગઇ છે.