કચ્છમાં છેલ્લા બે વર્ષમાં 6000 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ લીધો
- ખાનગી શાળાઓની મોંઘી ફી વાલીઓને પરવડતી નથી,
- સરકારી શાળાઓમાં શિક્ષણમાં સુધારો થતાં વિદ્યાર્થીઓનો ધસારો વધ્યો,
- સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં પ્રવેશનો ક્રેઝ વધ્યો
ભૂજઃ કચ્છ જિલ્લામાં ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાંથી વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે. અસહ્ય મોંઘવારીમાં વાલીઓને ખાનગી શાળાઓની તોતિંગ ફી પરવડતી નથી. બીજીબાજુ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ભૌતિક સુવિધામાં અને શિક્ષણની ગુણવત્તામાં સુધારો થતાં વાલીઓ પોતાના બાળકોને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. છેલ્લા 2 વર્ષમાં 6000 જેટલાં વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શૈક્ષણિક વર્ષ 2023-24 થી 2024-25 સુધીમાં કચ્છ જિલ્લામાં કુલ 5978 બાળકોએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં બાલવાટિકામાં 91, ધો.1માં 264, ધો.2માં 74, ધો.3માં 301, ધો.4માં 343, ધો.5માં 322, ધો.6માં 547, ધો.7માં 315, ધો.8માં 235, ધો.9માં સૌથી વધુ 2168 બાળકો ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. જ્યારે ધો.10માં 378, ધો.11 માં 713 તથા ધો.12માં 110 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. જે પૈકી શહેરી વિસ્તાર ધરાવતા ભુજ અને ગાંધીધામ તાલુકાની શાળાઓ મોખરે છે, જ્યાં ખાનગી શાળામાંથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હોય. ભુજ તાલુકામાં 1739 તથા ગાંધીધામ તાલુકામાં 1082 વિદ્યાર્થીઓએ સરકારી શાળાને પસંદ કરી છે.
ભુજની પાટવાડી નાકા પાસે આવેલી સરકારી શાળામાં શહેરના સૌથી વધુ છાત્રો ખાનગી શાળા છોડીને અહીં પ્રવેશ મેળવ્યો છે. વાલીઓના કહેવા મુજબ ખાનગી શાળાઓની સાપેક્ષમાં સરકારી શાળાઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવનારા અનુભવી તથા તાલીમ પામેલા શિક્ષકો છે, ઉપરાંત શિક્ષણની ગુણવત્તામાં તથા માળખાકીય સવલતોમાં સુધારો, આધુનિક ટેકનોલોજી સાથે બાળકોને કરાવાતો અભ્યાસ, નિ:શુલ્ક શિક્ષણ જેવી બાબતો વાલીઓને સરકારી શાળાઓ તરફ આકર્ષી રહી છે.