ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 23000 લોકોએ પાસપોર્ટ સરન્ડર કરી ભારતીય નાગરિકતા છોડી
- વર્ષ 2023ની તુલનાએ 2024માં દેશની નાગરિકતા છોડનારાઓમાં ઘટાડો
- દેશની નાગરિકતા છોડવામાં ગુજરાત ત્રીજાક્રમે
- વિદેશમાં સારીરીતે સેટલ થતાં લોકો ભારતની નાગરિકતા છોડી રહ્યા છે
અમદાવાદઃ ગુજરાતમાં અનેક યુવાનો અમેરિકા, કેનેડા, જર્મની, ઓસ્ટેલિયા, યુકે સહિત વિવિધ દેશોમાં અભ્યાસ માટે જઈને ત્યાજ નોકરી મેળવીને સ્થાયી થઈ રહ્યા છે. તદઉપરાંત અન્ય લોકોને ગ્રીનકાર્ડ કે પીઆર મળે એટલે નોકરી-ધંધામાં વિદેશમાં સ્થાયી થઈ રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં કુલ 22993 ગુજરાતીઓએ ભારતીય પાસપોર્ટ સરન્ડર કરીને વિદેશમાં કાયમી સ્થાયી થયા છે.
ગુજરાતમાંથી પાસપોર્ટ સરન્ડર કરીને વિદેશમાં સ્થાયી થવાનું પ્રમાણ વધી રહ્યું છે. ગતવર્ષે 181 સહિત છેલ્લાં 10 વર્ષમાં કુલ 22993 ગુજરાતીઓ દ્વારા ભારતીય પાસપોર્ટ સરન્ડર કરવામાં આવ્યો છે. અલબત્ત, 2023ની સરખામણીએ 2024માં પાસપોર્ટ સરન્ડર કરનારામાં અંદાજે 3 ગણા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2014થી વર્ષ 2022 દરમિયાન દેશના જે રાજ્યમાંથી સૌથી વઘુ પાસપોર્ટ સરન્ડર થયા હોય તેમાં દિલ્હી 60414 સાથે મોખરે છે, પંજાબ 28117 સાથે બીજાક્રમે, અને 22993 સાથે ગુજરાત ત્રીજાક્રમે છે, જ્યારે ગોવા 18610 સાથે ચોથાક્રમે અને મહારાષ્ટ્ર 17171 સાથે પાંચમાં સ્થાને છે. સમગ્ર દેશમાંથી આ સમયગાળામાં કુલ 12.88 લાખ દ્વારા ભારતીય નાગરિકત્વ જતું કરવામાં આવ્યું છે. છેલ્લા 6 વર્ષમાં અમદાવાદ રીજિયોનલ પાસપોર્ટ ઓફિસથી જ 36 લાખ જેટલા પાસપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. આમ, વિદેશમાં અભ્યાસ, ફરવા જવા અને ત્યાં સ્થાયી થવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
પાસપોર્ટ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ પાસપોર્ટ એક્ટ 1967 પ્રમાણે વિદેશનું નાગરિકત્વ મેળવવા માગતા લોકો માટે પાસપોર્ટ સરન્ડર કરવો ફરજિયાત છે. વિદેશમાં નાગરિકત્વ મેળવ્યા બાદ વહેલો પાસપોર્ટ સરન્ડર કરે તેના માટે કોઈ પેનલ્ટી નથી. પરંતુ ત્રણ વર્ષ કે તેથી વઘુ વિલંબ થાય તો રૂપિયા 10 હજારથી 50 હજાર રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. અમદાવાદમાં આરપીઓથી છેલ્લાં 1 વર્ષમાં 181 પાસપોર્ટ સરન્ડર થયા છે. ‘કોવિડ બાદ 2023માં પાસપોર્ટ સરન્ડર થવાના પ્રમાણમાં વધારો થયો હતો. હવે 2023ની સરખામણીએ 2024માં પાસપોર્ટ સરન્ડર થવાનું પ્રમાણ ઘટ્યું છે. 2024ના વર્ષમાં અમદાવાદ આરપીઓથી 8.12 લાખ જેટલા પાસપોર્ટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા.